Get The App

સુરત: સ્નેહ મિલનમાં જવા કાર્યકરોને ભોજન સાથે અપાઈ બે લિટર પેટ્રોલની કુપન

- રાજકીય પક્ષના કાર્યકરો પણ ગીવ એન્ડ ટેઈકની ફોર્મ્યુલા અપનાવે છે

Updated: Nov 24th, 2021

GS TEAM

Google News
Google News
સુરત: સ્નેહ મિલનમાં જવા કાર્યકરોને ભોજન સાથે અપાઈ બે લિટર પેટ્રોલની કુપન 1 - image


ભાજપને મોટી મેદની ભેગી કરી શક્તિ પ્રદર્શન માટે વોર્ડ પ્રમાણે બસની વ્યવસ્થા પણ કરવી પડી

સુરત, તા. 24 નવેમ્બર 2021 સોમવાર 

સુરતમાં ભાજપના સ્નેહ મિલન સમારોહને સફળ બનાવવા માટે નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. સુરતમાં મોદી મેદની ભેગી કરીને શક્તિ પ્રદર્શન કરવા માટે સ્નેહ મિલન સમારોહમાં ભોજન સમારંભ સાથે સાથે બાઈક પર આવતાં કાર્યકરોને બે લીટર પેટ્રોલની કુપન પણ આપવામાં આવી હતી. 

આ ઉપરાંત જે લોકો પોતાની ગાડીમાં આવવાના નથી તેઓને સ્નેહ મિલન સુધી લાવવા માટે વોર્ડ અને સોસાયટી દીઠ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ભાજપે મોટી મેદની ભેગી કરવા પાછળ કાર્યકરોને વનિતા વિશ્રામના મેદાન સુધી લાવવા માટે અનેક કસરત કરવી પડી છે.

સુરત રાજકારણનું એપી સેન્ટર બનતાં હવે કાર્યકરો પણ વીઆઈપી બની રહ્યા છે પહેલાં ગાંઠના ગોપીચંદ કરીને સભામાં ભેગા થતાં કાર્યકરોને ભેગા કરવા માટે ભાજપે ભોજન સમારંભનું પણ આયોજન કરવું પડયું છે. આટલું જ નહીં પરંતુ ધારાસભ્યો, કોર્પોરેટરો અને વોર્ડના હોદ્દેદારો તથા નેતાઓ દ્વારા પોતાના વિસ્તારના કાર્યકરોને સ્નેહ મિલન સુધી ખેંચી લાવવા માટે સોસાયટીઓ બહાર અને વોર્ડ દીઠ બસની વ્યવસ્થા કરવી પડી છે. 

વોર્ડ દીઠ અને સોસાયટી દીઠ બસની વ્યવસ્થાની કામગીરી નગર સેવકો અને વોર્ડના હોદ્દેદારો સોશ્યલ મિડિયામાં પોતે જ માહિતી મુકી રહ્યાં છે. હાલમાં પેટ્રોલનો ભાવ 95 રૂપિયા લીટર હોય કાર્યકરો પોતાનું પેટ્રોલ બાળીને સ્નેહ મિલનમાં નહી આવે તેવી નેતાઓને ખબર છે તેના કારણે જે કાર્યકરો પોતાની બાઈક લઈને આવવાના હોય તેવા કાર્યકરોને ગાડી દીઠ બે લીટર પેટ્રોલ આપવા માટે કાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા છે. 

ભાજપે આપેલી કુપનથી એક પેટ્રોલ પમ્પ પર એક વખત પેટ્રોલ પુરાવી શકાશે તેવી સુચના પણ લખવામાં આવી છે. આમ હવે કાર્યકરો પણ ગીવ એન્ડ ટેઈકની ફોર્મ્યુલા અપનાવતાં હોવાથી નેતાઓએ કાર્યકોરને સભા સ્થળ સુધી જવા માટે પેટ્રોલ અને ભોજનની વ્યવસ્થા કરવી પડી રહી છે.

Tags :