સુરત: માતાને આપેલા વચન પાળવા અધિકારીએ ત્રીજા જ દિવસે મ્યુનિ.ની. કામગીરી સંભાળી
- બેટા હું મૃત્યુ પામું તો શોક ન પાળજે ફરજ નિભાવજે
સૌથી વધુ સંક્રમણ છે તેવા વરાછા એ ઝોનના ઝોનલ ચીફ દિનેશ જરીવાલા માતાની અંતિમ વિધિ તર્પણ ક્રિયા પુરી કરી કોરોનાની કામગીરીમાં જોડાયા
સુરત, તા. 23 જુલાઈ 2020 ગુરૂવાર
સુરત મહાનગરપાલિકાના એક અધિકારીની માતાનું મૃત્યું થયું પરંતુ માતાને મૃત્યુ વખતે આપેલા વચનના કારણે અધિકારીએ બે જ દિવસમાં માતાની અંતિમવિધિ અને તપર્ણ વિધિ પુરી કરીને ત્રીજા દિવસે પોતાની ફરજ પર જોડાઈ ગયાં હતા. સુરતમાં સૌથી ઝડપી સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેવા વરાછા એ ઝોનના અધિકારીએ પોતાની માતાના બાદ તરત જ કોરોનાની કામગીરીમાં જોડાઈ ગયાં છે.
સુરત મ્યુનિ.ના કર્મચારીઓમાં પણ હાલ કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે ત્યારે કર્મચારીઓ હવે કામગીરીથી ગભરાઈ રહ્યાં છે. આવા સમયે સુરત મ્યુનિ.ના વરાછા એ ઝોનના ઝોનલ ચીફ દિનેશ જરીવાલાની માતાનું અવસાન વાઈરલ ન્યુમોનિયાના કારણે થયું હતું. ઓક્સીજન લેવલ ઓછું થતાં તેમને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા.
માતાની તબિયત ખરાબ થઈ ત્યારે માતા કાંતાબેને જોવા માટે દિનેશભાઈ હોસ્પીટલ જતાં હતા. તેમની કામગીરી વચ્ચે તેઓ હોસ્પીટલ જતાં હતા ત્યારે માતાએ તેમની પાસે એક વચન માગ્યું હતું કે બેટા હું મૃત્યુ પામું તો પણ તું મારા મૃત્યુનો શોક નહીં પાળતો અને ફરજ બજાવજે. લોકોની સેવા કરજે પછી ઘર પરિવારનું વિચારજે.
માતાના આ શબ્દો દિનેશભાઈએ બરોબર યાદ રાખ્યા હતા.તેમના માતાના મૃત્યુના બે દિવસમાં જ અંતિમ વિધિ સાથે તર્પણ વિધિ પુરી કરીને તેઓ ત્રીજા જ દિવસે વરાછા એ ઝોનમાં ફરજ પર હાજર થઈ ગયાં હતા. દિનેશ જરીવાલા કહે છે, હાલ ઝોન જ નહીં પરંતુ સુરતની સ્થિતિ પણ ચિંતાનજક છે આવા સમયે કામગીરી કરવી ઘણી આવશ્યક છે. કોરોના સંક્રમણ અટકાવવા માટેડોર ટુ ડોર સર્વેક્ષણ, ઘન્વનતરી રથ તથા અન્ય આરોગ્યલક્ષી કામગીરી ચાલે છે તેને ફરીથી શરૃ કરી દીધી છે.
કોરોનાને પહોંચી વળવા માટે માઈક્રો પ્લાનીંગની કામગીરી મહાનગરપાલિકા દ્વારા આપવામા ંઆવી છે તે કામગીરી અન્ય અધિકારીઓ, કર્મચારીઓ સાથે સંકલન કરીને કરી રહ્યાં છે.