સુરત: મારા અને પ્રદેશ પ્રમુખ વચ્ચે કોઈ મતભેદ નથી - વિજય રૂપાણી
- ગુજરાત ભાજપમાં વધતી જતી જુથબંધીની વચ્ચે પુર્વ મુખ્યમંત્રીનું નિવેદન
- અમે સાથી કાર્યકરો તરીકે કામ કરી રહ્યા છીએ, પ્રદેશ પ્રમુખને મારો સંપુર્ણ ટેકો છે

સુરત, તા. 21 નવેમ્બર 2021 રવિવાર
ગુજરાત સરકારની પુનઃ રચના બાદ ભાજપમાં જુથબંધી ખુલીને બહાર આવી રહી છે. આ જુથબંધીની વચ્ચે જેમની વચ્ચે અંટસ ચાલી રહી છે તેવા પુર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ તેમની અને પ્રદેશ પ્રમુખ વચ્ચે કોઈ મતભેદ નથી તેઓ એક સાથી કાર્યકરો તરીકે કામ કરી રહ્યાં છે તેવું સુરતમાં નિવેદન કર્યું છે.
ગુજરાતમાં વિજય રૃપણી સરકારની વિદાય અને ભુપેન્દ્ર પટેલની સરકારની શરૃઆત સાથે જ ગુજરાત ભાજપમાં અંદર ખાતે ચાલતી જુથબંધી જાહેરમાં આવી રહી છે. રાજકોટમાં વિજય રૃપાણી અને અન્ય નેતાઓ વચ્ચે સ્ટેજ પર જ શાબ્દિક ટિપ્પણી અંગેની જોરશોરમાં વાત થઈ રહી છે.
બીજી તરફ માજી નાયબ મુખ્યમત્રી નિતિન પટેલે પણ પાટીદાર અને ચુંટણી લડવા અંગે કરેલી ટીપ્પણી ચચાનો વિષય બની રહી છે. દરમિયાન આજે સુરતમાં આવેલા માજી મુખ્યમંત્રી વિજય રૃપાણીએ તેમની અને પ્રદેશ પ્રમુખવચ્ચે કોઈ મતભેદ નથી તેવું નિવેદન કર્યું છે.
સુરતમાં જૈન સમાજના 75 દિક્ષાના કાર્યક્રમમાં આવેલા ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીને પુછવામાં આવ્યું હતું કે, તમારા અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે નારાજગી છે તે અંગે વિજય રૃપાણીએ કહ્યું હતું, મારી અને અધ્યક્ષ વચ્ચે કોઈ પણ નારાજગી નથી. અમે લોકો સાથી કાર્યકરો તરીકે સાથે કામ કરીએ છીએ.
પ્રદેશના અધ્યક્ષ તરીકે એમની જવાબદારી છે અને એમને મારો સંપુર્ણ સહકાર અને એમની સાથે સારી રીતે કામ કરીશ. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે હાલમાં જ એક નિવેદન કર્યું છે કે કાર્યકરોને સાંભળવામાં નહી આવે તેમની હવા કાઢી નાંખવામા આવશે આ અંગે તેમે શું કહેશો. તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું, એમની લાગણી કાર્યકર્તાઓ માટેની છે કાર્યકર્તાઓને સાંભળવામાં આવે અને કાર્યકરોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે તે સારી વાત છે. આમ આજે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં આવેલા માજી મુખ્યમંત્રી વિજય રૃપાણીએ તેમની અને સી.આર. પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી તેવા પ્રકારની વાત કરી છે.

