Updated: May 21st, 2023
વેડ વરિયાવ બ્રિજ પર આત્મહત્યા અને ગંદકી રોકવા માટેની જાળી અડધી જ ફીટીંગ થઈ છે
વરિયાવ તરફથી બ્રિજ પર જવા માટેના એપ્રોચ રોડ પર વૃક્ષ કપાયા બાદ રોડ બનાવવાનો બાકી હોવાથી અકસ્માતની ભીતિ
સુરત, તા. 21 મે 2023 રવિવાર
સુરતમા તાપી નદી પર વેડ અને વરિવાય વચ્ચે બનાવવામાં આવેલો બ્રિજ ખુલ્લો મૂકવા સાથે સુરતમાં બ્રિજની સંખ્યા 120ની થઈ ગઈ છે. આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો છે પરંતુ બ્રિજ ઉતાવળે ખુલ્લો મુકવામા આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ વેડ વરિયાવ બ્રિજ પર આત્મહત્યા અને ગંદકી રોકવા માટેની જાળી અડધી જ ફીટીંગ થઈ છે અને બાકીની જાળી ફીટીંગ તથા કલર કરવાની કામગીરી હજુ ચાલી રહી છે. આ ઉપરાંત વરિયાવ તરફથી બ્રિજ પર જવા માટેના એપ્રોચ રોડ પર વૃક્ષ કપાયા બાદ રોડ બનાવવાનો બાકી હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
સુરતમાં તાપી નદી પર વેડ અને વરિયાવ ચચ્ચે 16 મો તાપી બ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બ્રિજ ખુલ્લો મુકાયાના 24 કલાકમાં જ સુરતીઓએ પાન- માવા અને ગુટખા ની પિચકારી મારીને બ્રિજને ગંદો કરવાનું શરૂ કરી દીધું છે. તો બીજી તરફ આ બ્રિજ પર લોકોને કચરો ફેંકતા અટકાવવા તથા તાપી નદીમાં કૂદીને આત્મહત્યા ન કરે તે માટે જાળી મુકવાની કામગીરી અધુરી જ છે. બ્રિજ ખુલ્લો મુકાયા બાદ હજી પણ આ જાળી ફીટીંગ ની કામગીરી અડધી બાકી છે આ ઉપરાંત જાળી ફીટીંગ કરી છે તેના પર કલર કરવાની કામગીરી પણ ચાલી રહી છે.
વરીયાવ થી આ બ્રિજ પર ચઢવા માટે એપ્રોચ છે તે એપ્રોચ હજી પણ જોખમી છે. આ એપ્રોચ વચ્ચે એક વૃક્ષ હતું તે કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ પુરુ વૃક્ષ કપાયું નથી અને હજી પણ વૃક્ષનું થડ છે અને મોટો ખાડો પણ છે. જો કોઈ વાહન પુર ઝડપે આવે તો અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. જો આ ખામી ત્વરિત નહી સુધારવામાં આવે તો અકસ્માત થવાની શક્યતા રહેલી છે.