સુરત: વરાછા ચોકસી બજાર ચાર કલાક માટે આજે ખુલ્યું છે, પરંતુ હાજરી ખૂબ જ પાંખી છે
સુરત, તા. 29 જુલાઈ 2020 બુધવાર
વેપારીઓ, દલાલો અને મેન્યુફેક્ચરર્સ હીરાના વેપાર અને પેન્ડિંગ કામો બતાવી શકે તે માટે આજે વરાછા ચોકસી બજાર ચાર કલાક માટે બપોરે બે વાગ્યે ખોલવામાં આવ્યું છે. પરંતુ બજારમાં ખૂબ જ પાંખી હાજરી છે. સેઇફ વોલ્ટ અને કાંટાની કેબીનો પણ ખુલી ગઈ છે.
કોવિડ-19 અંતર્ગત કોરોના સંક્રમણ અટકાવવા માટે હીરા બજારને સ્વેચ્છિક બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે મહિધરપુરા હીરા બજાર બપોરે 2 થી સાંજના 6 વાગ્યા સુધી ખોલવામાં આવે છે. કામકાજ કરવા માટે આ સમય અપૂરતો હોવાનો ગણગણાટ પણ વેપારીઓ અને દલાલોમાં છે.
જોકે, વરાછા ચોકસી બજારને વેપારીઓ અને દલાલોની સગવડતા માટે ખુલ્લું કરવામાં આવ્યું, પણ કોઈ બજાર તરફ ફરકતું નથી. માંડ દસ-પંદર ટકા હાજરી અત્યારે જોવાઇ છે. કોરોનાના ડરને કારણે 50 ટકા લોકો સુરત છોડી ગયાં છે. અત્યારે પણ ડર હોવાને કારણે બહાર નીકળતા નથી, એટલે હાજરી ઓછી છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.