સુરત: મહિધરપુરા હીરા બજાર આસપાસની શેરીઓને સવારે પ્રશાસન દ્વારા સીલ કરાઇ
સુરત, તા. 18 જુલાઈ 2020 શનિવાર
મહિધરપુરા હીરા બજારનો સમય વધારવામાં આવે એવી રજૂઆત ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરવામાં આવ્યા પછી, આજે હીરાબજાર આસપાસની શેરીઓને સીલ કરવામાં આવી હતી. લોકોની અને વાહનોની અવરજવર રોકવા માટે શેરીના નાકે પતરાં લગાડીને બંધ કરવામાં આવ્યાં છે.
મુખ્ય હીરાબજાર ચાલુ છે, તેને કોઈ સીલ મારવામાં આવ્યા નથી, એમ સુરત ડાયમંડ બ્રોકર એસો.ના પ્રમુખ નંદલાલ નાકરાણીએ પૂછપરછમાં જણાવ્યું હતું. કમિશનરને સમય વધારવા અમે ગઈકાલે કરેલી રજૂઆત બાબતે હજુ કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. આજે નિર્ણય થશે એવી શક્યતા અમે જોઇ રહ્યાં છે.
મહિધરપુરા હીરા બજાર આસપાસની અન્ય શેરીઓને આજે સવારે સીલ મારવાનું શરૂ થતાં હીરાબજારને સીલ મારવામાં આવ્યું છે, એવા સંદેશા બજારમાં ફરતાં થયાં હતાં. જોકે, હકીકતમાં એવું કશું નથી. માત્ર વાહનોની અવરજવરને નિયંત્રિત કરવા માટે બજારની આસપાસની શેરીઓને સીલ કરાઇ છે.