Get The App

સુરત: અનાજ ભરવા ઉપયોગમાં લેવાતી કોઠી લુપ્ત થવાના આરે

Updated: Nov 24th, 2021

GS TEAM


Google News
Google News
સુરત: અનાજ ભરવા ઉપયોગમાં લેવાતી કોઠી લુપ્ત થવાના આરે 1 - image


સુરત, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

પહેલાના સમયમાં લોકો અનાજનો સંગ્રહ કરવા માટે પતરા, એલ્યુમિનિયમ કે સ્ટીલની નહીં પંરતુ માટીની કોઠીનો ઉપયોગ કરતા હતા. સમય સાથે આ પ્રથા બદલાઈ અને લોકો હવે માટીની જગ્યાએ સ્ટીલના પીપળા કે એલ્યુમિનિયમના પીપડાનો ઉપયોગ કરે છે. જો કે હજુપણ સુરત જિલ્લા અને તાપી જિલ્લાના આદિવાસી સમાજના લોકો હજુ પણ અનાજનો સંગ્રહ કરવા માટે માટીની કોઠીનો ઉપયોગ કરે છે. આ કોઠીઓ તેઓ જાતે જ બનાવતા હોય છે. જોકે હવે માટેની કોઠીઓ આદિવાસી પ્રજામાં પણ લુપ્તતાને આરે છે.

પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમાજની દરેક બાબતો નોખી હોય છે, આ સમાજમાં ધાન્યની જાળવણી પણ અનોખી રીતે કરવામાં આવે છે, પારંપરિક અનાજ સાચવાની રીત પણ આ સમાજ કંઈક અલગ રીતે કરે છે અને જાણીને નવાઈ લાગશે કે તેમની પારંપરિક પદ્ધતિ મુજબ સાચવેલ અનાજ વર્ષોવર્ષ સુધી બગડતું નથી. આ અંગે આદિવાસી સમાજના આગેવાન કલ્પેશભાઈ ઢોળીયાએ કહ્યું કે"સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જેટલા પણ આદિવાસીઓ છે તેઓ અનાજ ભરવા વર્ષો થી માટીની કોઠી નો ઉપયોગ કરે છે. 

આ કોઠી માટી, છાણ અને ડાંગરની કુશકી ની મદદથી તૈયાર થાય છે. એક કોઠી બનાવતા એક મહિનો લાગી જતો હોય છે. આ પદ્ધતિ થી તૈયાર કરેલ કોઠી માં વર્ષોના વર્ષ અનાજ સંચવાયેલ રહે છે, અને તેમાં કોઈપણ પ્રકારની રોગ જીવાત પડતી નથી અને વર્ષોવર્ષ સ્વાસ્થ્યપ્રદ અનાજ મળી રહે છે. જે પદ્ધતિ મુજબ આજે પણ ઊંડાણના આદિવાસી લોકો અનાજની સાચવણી કરતા આવ્યા છે, પરંતુ આ વારસો હવે ધીમે ધીમે લુપ્તતા ને આરે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે પેઢી બદલાય છે હવે લોકો પ્લાસ્ટિક,પતરા કે એલ્યુમિનિયમ ના પીપ વપરાતા થયા છે.જેને કારણે હવે માટીની કોઠીઓ લુપ્ત થઈ રહી છે.

માત્ર આદિવાસી જ નહીં પંરતુ સુરતમાં પણ ઘણા ગુજરાતીઓ એવા છે જે પરંપરાગત માટી ની કોઠીઓ વાપરે છે.પંરતુ સમય સાથે તેમાં પણ હવે બદલાવ આવ્યો છે. સૌરાષ્ટ્રથી સુરત સ્થાયી થયેલા ગુજરાતીઓના ઘરમાં માટી ની કોઠીઓ નો ઉપયોગ થતો હતો પરંતુ આ માટીની કોઠી હવે માત્ર ને માત્ર શહેરો માં શો પીસ જેવી થઈ ગઈ છે.

Tags :