સુરત: અલથાણમાં અભ્યાસ બાબતે બે પુત્રીને આકરા શબ્દો કહેનાર પુત્રને ઠપકો આપનાર પિતાને રહેંસી નાંખ્યા
- ચપ્પુનો એક ઘા ઝીંકી દીધો અને ઝપાઝપી થતા નીચે પટકાતા ગંભીર ઇજાથી મોત થયું
સુરત, તા. 30 જુલાઈ 2020 ગુરૂવાર
અભ્યાસ બાબતે બે પુત્રીને ઠપકો આપી રહેલા પુત્રને તું છોકરીઓને કેમ ધમકાવે છે એમ કહેનાર વૃધ્ધ પિતાને ચપ્પુ મારી દીધું હતું અને ઝપાઝપી થતા નીચે પટકાતા મોત થવાની ઘટનામાં ખટોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી પુત્રની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
અલથાણ સ્થિત ધીરજ સન્સ નજીક સેન્ટોસા હાઇટ્સના ફ્લેટ નં. 830માં રહેતા અને સલાબતપુરામાં મોટા ભાઇ રાજીવ મોહન અગ્રવાલ સાથે લેસપટ્ટીનું કારખાનું ચલાવતો સંજય અગ્રવાલ ગત સાંજે તેની બે પુત્રી દિશા (ઉ.વ. 17) અને ભુમિ (ઉ.વ. 13) ને અભ્યાસ બાબતે ઠપકો આપી રહ્યો હતો.
બે પુત્રીને આકરા શબ્દો કહી રહેલા સંજયને તેના પિતા મોહન અગ્રવાલ (ઉ.વ. 65) એ ઠપકો આપતા કહ્યું હતું કે તું છોકરીઓને કેમ ધમકાવે છે, તેઓને તેમની રીતે અભ્યાસ કરવા દે.
જેથી સંજય ઉશકેરાય ગયો હતો અને અંદરના રૂમમાંથી ચપ્પુ લઇ આવી પિતા મોહનભાઇને ડાબા ખભાના ભાગે એક ઘા મારી દીધો હતો. ત્યાર બાદ પિતા-પુત્ર વચ્ચે ઝપાઝપી થઇ હતી. તે દરમ્યાન પિતા મોહન નીચે પડી જતા તેમને ગંભીર ઇજા થઇ હતી.
જેને પગલે રાજીવ તુરંત જ દોડી ગયો હતો અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ તબીબોએ મોહન અગ્રવાલને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસ તુરંત જ દોડી આવી હતી અને પુત્ર સંજય વિરૂધ્ધ પિતાની હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.