For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત: સુમુલ ડેરી રોડ પર આવેલા પ્રદુષણ ઓકતા ઉદ્યોગો સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો

Updated: Mar 19th, 2023

Article Content Image

ડાઇંગ હાઉસ માંથી નીકળતી કોલસી અને મેસના કારણે આસપાસના લોકોનું જીવવું દુષ્કર થયું  

લોકોના ધાબા અને ઘરમાં કોલસીના થર, સમસ્યા દુર કરવા સ્થાયી સમિતિ સાથે વન અને પર્યાવરણ મંત્રીને પણ રજુઆત

સુરત, તા. 19 માર્ચ 2023 રવિવાર

સુરતના સુમુલ ડેરી રોડ પરના ડાઈંગ હાઉસમાં ઈંધણ તરીકે કોલસીનો થતો ઉપયોગ સ્થાનિક માટે આફત બની ગયો છે. પ્રદુષણ ઓકતા ઉદ્યોગો સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો બની ગયો છે ત્યારે લાંબા સમયથી આ સમસ્યાનો ભોગ બનેલા સ્થાનિકોને બચાવવા માટે રજૂઆત થઈ રહી છે. હવામાં ઉડતી કોલસી લોકોના ફેફસામાં પહોંચી જતા શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે અને લોકોને અસ્થામાના રોગ સાથે શ્વાસ લેવાના રોગ સાથે આંખની બળતરા ના રોગ પણ લોકોને ઘેરી રહ્યાં છે. છેલ્લા લાંબા સમયથી ડાઈંગ હાઉસમાંથી કોલસી રુપે આવતી આફત રોકવા માટે પાલિકાની સ્થાયી સમિતિ, જીપીસીબી અને વન અને પર્યાવરણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. 

સુરત શહેરના સુમુલ ડેરી રોડ પર આવેલી સંખ્યાબંધ રહેણાંક સોસાયટીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ડાઈંગ હાઉસમાંથી ઉડતી કોસલી અને મેશથી ત્રાહિમામ થઈ રહ્યાં છે. થોડા સમય સુધી આ સમસ્યા અટકી હતી પરંતુ ફરીથી ડાઈંગ હાઉસમાં કોલસીનો ઇંધણ તરીકે થતો બેફામ ઉપયોગ લોકો માટે આફત બની ગયો છે. આ વિસ્તારના લોકોના ઘરો પર ઉડતી કોલસીના થર થઈ રહ્યાં છે એટલું જ નહીં પરંતુ હવામાં પણ કોલસી વધુ ઉડતી હોય અનેક લોકો શ્વાસ અને આંખની  બીમારી થી પીડાઈ રહ્યાં છે.

Article Content Image

પાલિકાની સ્થાયી સમિતિમાં સભ્ય દક્ષેશ માવાણીએ કમિશ્નરને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ડાઈંગ હાઉસમાં ગેરકાયદે રીતે ઈંધણ તરીકે કોલસીનો ઉપયોગ કરવામાં આવે છે તેના  કારણે આસપાસના લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. સુરતના લોકોના આરોગ્યની જવાબદારી સુરત પાલિકાની છે તેથી પાલિકાએ જીપીસીબી સાથે સંકલન કરીને કાયમી ધોરણે આ સમસ્યાનો હલ લાવવો   જોઈએ. લોકો પોતાના ઘરની ટેરેસ પર કપડાં પણ સુકવી શકતા નથી અને દરેક સોસાયટીમાં શ્વાસની બીમારી તથા આંખની બળતરા ના રોગથી પીડાય રહ્યા છે. ગરીબ કે તવંગર કોઈ પણ લોકો આ વિસ્તારમાં રહેતા હોય તેમની હાલત કફોડી થઈ રહી છે. જીપીસીબી સરપ્રાઈઝ ચેકીંગ ની વાત કરે છે પરંતુ થોડા દિવસો આ સમસ્યા બંધ થાય છે ત્યાર બાદ ફરીથી કોલસી ઊડવાનું શરૂ થાય છે તેથી કાયમી ધોરણે સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે. તેઓએ આ અંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલને પણ મૌખિક રજુઆત કરી છે અને આગામી દિવસોમાં લેખિતમાં પણ રજુઆત કરશે. માવાણી કહે છે, પાલિકા, જીપીસીબી અને ગુજરાત સરકાર આ ત્રણેયએ સંકલન કરીને આ વિસ્તારના લોકોને પ્રદૂષણ ની સમસ્યામાંથી રાહત અપાવવી જોઈએ.

Gujarat