Get The App

શ્રાવણ માસમાં સાયુજ્ય પ્રાપ્તી માટે મહાદેવને ખાસ બીજોરું ચઢાવવાનો મહિમા

Updated: Jul 30th, 2022

GS TEAM

Google News
Google News

- એક સમયે રૂ.૨૫નું મળતું બીજોરું આજે રૂ. ૪૦ થી રૂ.૬૦માં મળે છે : અનેક રોગમાં અસરકારક છે

સુરત,તા.30 જુલાઈ 2022,શનિવાર

આજ થી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને મહાદેવને રિઝવવા માટે અલગ અલગ પૂજાપા તેમને ચઢાવાય છે. ત્યારે બીજોરું નામનું ફળ શિવજીને ખાસ શ્રાવણ મહિનામાં જ ચડાવવામાં આવે છે. ખાસ કરીને સાયુજ્ય પ્રાપ્તી માટે બીજોરું ચઢાવવાનો મહિમા છે.

જો કે આ વર્ષે બજારમાં બીજોરાનો ભાવ રૂ.૪૦ થી ૬૦ જોવા મળી રહ્યો છે.

સુરત શહેરમાં એકમાત્ર ભાગળ વિસ્તારમાં મળતું બીજોરું નામનું ફળ ખાસ શ્રાવણ મહીનામાં મહાદેવને ચઢાવવાનો મહિમા છે. ધતુરા, આંકડા ,દૂધ, જળ, બીલીપત્રની સાથે ખાસ આ બીજોરું ચડાવીને ભકતો મહાદેવને મનાવવાનો પ્રયત્ન કરે છે. જો કે બીજોરું આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખૂબ લાભદાયક છે. તેના વૃક્ષના મૂળ કૃમિ નાશક હોય છે. કબજિયાત અને મગજની ગાંઠ,  કીડની, પથરી, દાંતના રોગ, ઉલ્ટી, દમ, ઉધરસ, કાયમી ખાંસી, કાનના રોગ, ગળાની સમસ્યા, કોઢને દુર કરવામાં ફાયદાકારક છે. બીજોરાના રસમાં વિટામીન સી હોય છે જે દરેક રોગમાં ફાયદો આપે છે. જયારે તેની છાલમાં મળતું પેક્ટીન દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખુબ જ માંગ રહેલી છે. 

આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે કહ્યું કે, બીજોરું માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે. મહાદેવની ખાસ પૂજામાં તેમજ શ્રાવણ મહિનામાં જ બીજોરું મહાદેવને ચઢવવામાં આવે છે. ખાસ સાયુજ્ય (સાથે રહેવું) પ્રાપ્ત કરવા પૂજન માટે તેનો ઉપયોગ થાય છે.

- મોંઘવારીની અસર બીજોરાના ફળ પર પણ છે

સુરતની આજુબાજુના જંગલના વિસ્તારમાંથી આવતા બીજોરા ફળના ભાવમાં પણ વધારો નોંધાયો છે. એક બે વર્ષ પહેલાં રૂ.૨૫ પ્રતિ નંગે મળતા બીજોરા આજે અલગ અલગ ભાવે વેચાઈ રહ્યા છે. ભાગળની બજારમાં રૂ. ૪૦ થી લઈને રૂ.૬૦ સુધીનો ભાવ ફળવિક્રેતા લઈ રહ્યા છે. એટલે કે અગાઉના વર્ષની સરખામણીએ ૧૫ ટકા થી વધુનો ભાવવધારો થયો છે.

Tags :