Get The App

સુરત: કોરોનાને મ્હાત આપી નવી સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ ફરી દર્દીઓની સેવા માટે તૈયાર

- હું સ્વસ્થ થઈ છું ત્યારે એ વિચારીને આનંદિત છું કે જ્યારે દર્દીઓ સાજા થઈને ઘરે જતા હશે ત્યારે તેઓ કેટલાં ખુશ થતાં હશે?: ડો. શાંભવી વર્મા

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
સુરત: કોરોનાને મ્હાત આપી નવી સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ ફરી દર્દીઓની સેવા માટે તૈયાર 1 - image


સુરત, તા. 21 જુલાઈ 2020 મંગળવાર

આજે કોરોનાની સામે સમગ્ર દેશ ઝઝુમી રહ્યો છે, ત્યારે કોરોના વાઈરસની સામે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દિવસ રાત એક કરીને દર્દીઓના જીવન બચાવવામાં પ્રવૃત્ત છે. 

પોતાની ફરજ દરમિયાન ક્યારેક ડોકટરોને પણ કોરોનાનો ચેપ લાગતો હોય છે, પરંતુ દર્દીઓની સારવાર માટે અડગ રહેતા ડોક્ટરો જીવના જોખમે પણ ફરજ બજાવવાનું ચૂકતા નથી.

સુરતના આવા જ એક કોરોના વોરિયર મહિલા ડોક્ટર કોરોનાને મ્હાત આપી ફરી એક વાર દર્દીઓની સેવા માટે તૈયાર છે. એવા નવી સિવિલ હોસ્પિટલમાં ખાતે રેસિડેન્ટ ડોક્ટર શાંભવી વર્મા પી એસ એમ વિભાગમાં ફરજ બજાવે છે.

કોરોના સામેના જંગનો અનુભવ વર્ણવતાં કહે છે કે, ‘મારી ડ્યૂટી કોવિડ-19 વોર્ડમાં હોવાથી દર્દીઓની સારવાર દરમિયાન મને ઇન્ફેકશન લાગ્યું હતું. તા.08 જુનથી મને સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવા પ્રારંભિક લક્ષણો દેખાતા મેં નવી સિવિલની ઓપીડીમાં તપાસ કરાવી રિપોર્ટ માટે સેમ્પલ આપ્યું હતું. જેમાં બીજા દિવસે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા મને કોવિડ-19 વોર્ડમાં દાખલ કરાઈ હતી.

મારા જેવી ડોક્ટરની પણ ફરજ પરના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા એક સામાન્ય દર્દીની જેમ નિયમિત તપાસ અને મારી કાળજીપૂર્વક સારવાર કરવામાં આવતી હતી. હું મારાં ઘરથી દૂર છું, પણ એવું ક્યારેય મહેસૂસ નથી થયું કે હું ઘરથી સાચે જ દૂર છું. અહીં સમયસર મેનુ પ્રમાણે સવાર, બપોર, સાંજના ભોજન વ્યવસ્થા સાથે ગરમ પાણી અને આયુષના નિયમ પ્રમાણે આયુર્વેદિક ઉકાળો આપવામાં આવે છે.

ડોક્ટર સ્ટાફ દ્વારા રેગ્યુલર બ્લડપ્રેશર અને ઓક્સિમીટરથી ઓક્સિજન સર્ક્યુલેશન હંમેશા ચેક કરવામાં આવે છે. દાખલ થયાના 09 દિવસ બાદ મારી તબિયતમાં મહત્તમ સુધારો થતા મને થોડા દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવી છે. હવે હું કોરોનામુક્ત છું એમ મારા સાથી ડોકટરો કહે છે. 

આઈસોલેશન અને નિયત ક્વોરન્ટાઈન પિરીયડ પૂર્ણ કર્યા બાદ હું મારી ડ્યૂટી પર પરત ફરીશ. હું એ વિચારીને આનંદિત છું કે જ્યારે દર્દીઓ સાજા થઈને ઘરે જતા હશે ત્યારે તેઓ કેટલાં ખુશ થતાં હશે?

Tags :