Gujarat

સુરત: વરાછાના ચોકસી સહિતના હીરાબજાર લેતીદેતી અને વેપાર માટે ચાર કલાક ખુલશે

By GS Team
20 Jul 20201 min read
This article was originally published on 20 Jul 2020
સુરત: વરાછાના ચોકસી સહિતના હીરાબજાર લેતીદેતી અને વેપાર માટે ચાર કલાક ખુલશે

સુરત, તા. 20 જુલાઈ 2020, સોમવાર

સ્વૈચ્છિક બંધ જાહેર કરાયેલું વરાછા હીરાબજાર આજે બપોરે 2થી 6 કામકાજ માટે ખુલ્લુ રહેશે. વેપારીઓ અને દલાલો પેમેન્ટના અને રફ-પોલીશ્ડની લેતીદેતી કામકાજ પતાવી શકે તે માટે ચાર કલાક હીરા બજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બજારની સેઇફ વોલ્ટ પણ આના માટે ખુલ્લી રહેશે.

હીરા ઉદ્યોગમાં કોરોના સંક્રમણના કેસો વધ્યા પછી વરાછા વિસ્તારમાં આવેલા ત્રણેય હીરા બજારના વેપારીઓની સહમતિ સાથે હોદ્દેદારોએ સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય લીધો હતો. સ્વૈચ્છિક બંધને વ્યાપક સમર્થન પણ મળ્યું છે. પરંતુ આ દરમિયાન વેપારીઓ અને દલાલો પોતાના પેન્ડિંગ કામો પૂરા કરી શકે તે માટે હીરા બજાર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

દરમિયાનમાં સેઈફ વોલ્ટ સંચાલકોએ તા. 24 મીને શુક્રવારે બપોરે 2 થી 7 સેઇફ વોલ્ટ ખુલ્લા રાખવાનું નક્કી કર્યું છે કે જેથી અતિ જરૂરિયાતવાળાનું કામકાજ કરી શકે.  સેઇફ વોલ્ટ તા. 31મી સુધી બંધ રહેશે અને તા.1 ઓગસ્ટથી  સેઇફ બપોરે 2 થી 6 અથવા છૂટ હશે તો સવારે 9 થી 6 ખુલ્લાં રખાશે.