સુરત: હત્યા કેસમાં હાલમાં જ નિર્દોષ છુટેલા માથાભારે સૂર્યા મરાઠી ઉપર તેની ઓફિસમાં જ જીવલેણ હુમલો થતા મોત
- હુમલો કરનાર તેના સાગરીત ઉપર પણ વળતો હુમલો : તેનું પણ મોત
સુરત, તા. 12 ફેબ્રુઆરી 2020 બુધવાર
સુરતના વેડરોડ સ્થિત માથાભારે સૂર્યા મરાઠી ઉપર તેના જ એક સાગરીતે આજે સવારે તેની ઓફિસમાં હુમલો કરતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જયારે તેના ઉપર હુમલો કરનાર સાગરીત હાર્દિક ઉપર પણ વળતો હુમલો કરતા તે પણ મોતને ભેટ્યો હોવાની વિગતો સાંપડી છે.
ઉલ્લેખનીય છે કે સૂર્યા હાલમાં જ હત્યા કેસમાં નિર્દોષ છૂટ્યો હતો.મનુ ડાહ્યા હત્યા કેસમાં હાલમાં જ નિર્દોષ છૂટેલા કુખ્યાત સૂર્યા મરાઠી ઉપર આજે સવારે વેડરોડ સ્થિત તેની ઓફિસમાં જ તેના એક સાગરીત હાર્દિકે જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલામાં સૂર્યા મરાઠીને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તે મોતને ભેટ્યો હતો. આ તરફ સૂર્યા ઉપર હુમલો કરનાર હાર્દિક ઉપર પણ સુર્યાના સાગરીતોએ વળતો હુમલો કરતા તેને પણ ગંભીર ઇજા થઇ હતી.
સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડાયેલા હાર્દિકનું પણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ડબલ મર્ડરની આ ઘટનાને પગલે ચોકબજાર પોલીસ દોડતી થઇ ગઈ છે.
વધુમાં મળતી વિગતો મુજબ હાર્દિકની સાથે અન્ય સાતથી આઠ હુમલાખોરો હતા. કાર અને મોટરસાયકલ ઉપર આવેલા હુમલાખોરોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો.