સુરત: સિંગારપોરની જેમ સુરતમાં ગ્રીન રૂફ ટોપની બસ દોડાવવાનો પ્રોજેક્ટ વિજ્ઞાન મેળામાં
- પ્રાથમિક શાળાના બાળ વિદ્યાર્થીઓના અનોખા પ્રોજેકટ
- ગાર્ડન ઓન ધ મુવ અભિયાન હેઠળ સીટી -BRTSબસ પર ગ્રીન રૂફ ટોપ લગાવી પર્યાવરણને બચાવાવમાં મદદ થાય તેવો કન્સેપ્ટ
સુરત, તા. 29 ઓગસ્ટ 2019, ગુરૂવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતમાં શરૂ થયેલા ગણિત વિજ્ઞાન મેળામાં બાળ વિજ્ઞાનિકો દ્વારા 500થી વધુ કૃતિ રજુ કરવામાં આવી છે. સુરતમાં વધતાં જતા પ્રદુષણ સામે ઉપાય માટેના કેટલાક પ્રોજક્ટ બાળ વિજ્ઞાનિકોએ રજુ કર્યા છે. એક પ્રોજેક્ટમાં સુરતમાં સિંગાપોરની જેમ ગ્રીન રૂફ ટોપ જેવી બસ દોડાવવા માટેનું સુચન કરવામાં આવ્યું છે.
સુરતમાં 400થી વધુ બસ દોડે તેના પર ગાર્ડન ઓન ધ મુવ અભિયાન હેઠળ બસ દોડાવવામાં આવે તો પર્યાવરણને બચાવાવમાં મદદરૂપ થવાય તે કન્સેપ્ટ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યો છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સાત ઝોનમાં નવ કેન્દ્રમાં ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અડાજણ સુર્યપુર સમિતિની શાળામાં સૌથી વધુ 87 પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા છે. રાંદેર રોડની પી.બી. દેસાઈ પ્રાથમિક શાળાના બાળ વિજ્ઞાનિકો દ્વારા પર્યાવરણની જાળવણી માટે ગ્રીન રૂપટોપની બસનો પ્રોજેકટ રજુ કરવામાં આવ્યો છે. બાળ વૈજ્ઞાનિકોએ સિંગાપોરમાં 10 બસ ઉપર ગ્રીન રૂફટોપ કન્સેપ્ટ પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યો છે તે માહિતીના આધારે સુરતમાં પણ આ પ્રકારની કામગીરી માટેનો પ્રોજેકટ મુક્યો છે.
બાળ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ત્રણ માસ પહલા સિંગાપોરમાં આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનું પરિણામ હકારાત્મ આવ્યું છે. સુરતમાં 400થી વધુ સીટી અને બી.આર.ટી.એસ. બસ દોડી રહી છે તેની છત પર માટીના બદલે અન્ય વસ્તુનો ઉપયોગ કરી ગ્રીન ટોપ બનાવી તેમાં ઘાસ કે તુલસીના છોડને ઉગાડી શકાય છે. બસ દોડે તેની સાથે ગાર્ડન પણ દોડતો રહે છે અને તેના કારણે વાતાવલણમાં પ્રદુષણ પણ કેટલાક અંશે નિયંત્રણ પણ કરી શકાય છે.
વિદ્યાર્થીઓએ બસના મોડલ બનાવી તેના પર ગ્રીન રૂફ ટોપ બનાવ્યું છે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે સુરતમાં પ્રદુષણની માત્રા વધી રહી છે અને ગ્લોબલ વોર્મિંગના પગલે આવા પ્રયોગ જરૂરી છે. પર્યાવરણની જાળવણી સાથે સાથે ગ્રીન રૂફ ટોપની બસ હોય તો તે બસનું અંદરનું તાપમાન પણ ઓછું થશે અને મુસાફરોને પણ ગરમીમાંથી રાહત મળી શકે છે. સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ માટે આવા પ્રોજેકટ બનાવામા આવ્યા છે તેનું અમલીકરણ કરવા માટે જો મ્યુનિ.તંત્ર ગંભીરતા પુર્વક વિચારણા કરે તથા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનો કન્સેપ્ટ મ્યુનિ. તંત્રને કામ લાગી શકે તેમ છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગણિત વિજ્ઞાન મેળામાં કેટલાક વિદ્યાર્થીઓએ કરેલા પ્રોજેકટ મ્યુનિ. તંત્ર માટે ઉપયોગી બની શકે તેવા છે. સિંગાપોરમાં ગ્રીન રૂફટોપ જેવી બસ સુરતમાં દોડાવવામાં આવે તો પર્યાવરણ બચાવ સાથે મ્યુનિ.ને પણ ફાયદો થાય તેવો પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યો છે.