પૂરગ્રસ્ત નવસારીની વ્હારે સુરત મહાનગરપાલિકા: પાલિકાની ટીમે નવસારીમાં બચાવ કામગીરી શરૂ કરી
- બોટ ફાયર ટેન્ડર માટેની સામગ્રી સાથે એક ટીમ મોકલી, જરૂર જણાય અન્ય ટીમ પણ મોકલાશે
સુરત,તા.14 જુલાઈ 2022,ગુરૂવાર
દક્ષિણ ગુજરાતના નવસારી છેલ્લા બે દિવસથી બંબાકાર થઈ રહ્યું છે. નવસારીમાં આવેલી કુદરતી આપત્તિ સામે સુરત મહાનગરપાલિકાએ બચાવ કામગીરી માટે ફાયરની ટીમ મોકલી છે. સુરત પાલિકાની ફાયર ની ટીમ પહોંચીને ગણતરી મિનિટોમાં જ પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી.
નવસારી માંથી પસાર થતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારીના અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે. નવસારી ઉપરાંત મુંબઈ અમદાવાદ હાઈવે પર પણ આ નદીના પાણી આવી જતા હાઈવે પણ બંધ કરી દેવાયો છે. નવસારીના અનેક વિસ્તારોમાં વેલા આવવા સાથે શહેરના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરક થઈ ગયા છે. આવા સમયે બચાવ અને રાહત કામગીરી માટે સાધનો ટાંચા પડી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ એક ફાયર ટીમને તાત્કાલિક રવાના કરી દીધી છે. આ ફાયર ટીમના સાત સભ્યો વોટ અને અન્ય સામગ્રી સાથે નવસારી પહોંચી ગયા હતા. ગણતરીની મિનિટોમાં તેઓએ બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દીધી હતી. હાલમાં સુરતમાં પણ વરસાદની સ્થિતિ છે તેમ છતાં નવસારીને વધુ જરૂર હોય પાલિકાએ બચાવ ની કામગીરી માટે ફાયરની ટીમ મોકલી આપી છે. જો જરૂર જણાય તો અન્ય ટીમ અને મદદ પણ પાલિકા મોકલવા માટે તૈયાર છે.