સુરત પાલિકા કમિશનરે અધિકારીઓ સાથે ડુમસ બીચનું નિરીક્ષણ કર્યું : આયોજન માટે ચર્ચા
- ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટની કામગીરી કાગળ પરથી બહાર આવી
- ડુમસ સી ફેસના વિકાસને ધ્યાને લઇ આવનાર પ્રવાસીઓ તથા નાગરિકોની આવનજાવનની સુવિધા માટે રોડ રસ્તાનું આયોજન કરવા સુચના આપી
સુરત,તા.31 જુલાઈ 2023,સોમવાર
સુરતીઓના એક માત્ર મનોરંજન માટેની ડુમસ ચોપાટીને ડુમસ સી ફેઝ તરીકે ડેવલપ કરવા માટેનું આયોજન હવે ફાઈલ માંથી બહાર આવી રહ્યું છે. પાલિકા કમિશનરે અધિકારીઓ સાથે ડુમસ બીચનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડુમસ બીચ ડેવલપમેન્ટ માટેના આયોજન માટે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી સુરત પાલિકા દ્વારા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે પાલિકા, સરકાર અને જંગલ વિભાગની જગ્યા હોવાથી પાલિકાના આયોજન ખોરંભે પડ્યું હતું અને આ પ્રોજેક્ટ ફાઈલમાં જ અટવાયો હતો. હાલમાં ગુજરાત સરકારના સહયોગથી સુરત પાલિકાએ આ પ્રોજેક્ટ માટે કરેલી કામગીરીના કારણે પ્રોજેક્ટ ફાઇલમાંથી બહાર આવી રહ્યો છે.
ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આજે સુરત પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલ ટીમ સાથે ડુમસ પહોંચી ગયા હતા. તેઓએ ડુમસ સી ફેસના ડેવલપમેન્ટ માટે ડુમસ બીચનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રોજેક્ટ માટે જેનું આયોજન કરાયું છે તેવા વોક વે, ગાર્ડન એરિયા, સ્કલપચર, બીચ સ્પોર્ટ્સ જેવી સુવિધા ઉભી કરવા માટે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ડુમસ બીચ ખાતે આવેલ દરિયા ગણેશના મંદિર પાસે ડુમસ સી ફેસ પ્રોજેક્ટ અંતર્ગત જાહેર જનતાને ચાલવા માટેની જગ્યા તથા બેસવા માટેની સુવિધાઓના આયોજન બાબતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ડુમસ સી ફેસના વિકાસ પ્રોજેક્ટને ધ્યાનમા રાખી આસપાસના વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગ અથવા પે એન્ડ યુઝ પાર્કનું આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.