સુરત શિક્ષણ સમિતિનું 370 કરોડનું બજેટ પણ... બંધ પડેલા નાગરિક સુવિધા કેન્દ્રમાં ચાલી રહી છે એક શાળા
- વર્ષ 2017 અને 2021 માં બે શાળાનું ડિમોલીશન કર્યું પણ નવી શાળા નહી બનતા વિદ્યાર્થીઓ પરેશાન
- મીઠી ખાડીની શાળા નંબર 74 અને 234 નવી નહી બનતાં બેન્ચીસ વિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે
સુરત,તા.18 ડિસેમ્બર 2023,સોમવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 370 કરોડ જેટલું બજેટ હોવા છતાં સમિતિની એક શાળા બંધ પડેલા નાગરિક સુવિધા કેન્દ્રમાં ચાલી રહી છે. પાલિકાએ લિંબાયત વિસ્તારમાં વર્ષ 2017 અને 2021 માં બે શાળાનું ડિમોલીશન કર્યું કરી દીધું હતું પરંતુ ત્યારબાદ નવી શાળા નહી બનતા હાલમાં બે હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ બેન્ચીસ વિના અભ્યાસ કરવા માટે મજબુર બની રહ્યા છે. 2017 અને 20121માં ડિમોલીશન થયું હતું તે શાળા ત્વરિત બને તે માટેની માંગણી પાલિકા અને સરકાર સામે કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા ઘણા વખતથી શિક્ષકોની ઘટની ફરિયાદનો અંત આવતો નથી. આટલું જ નહી પરંતુ સરકારી યોજના હેઠળ શિક્ષકોની ભરતી થઈ છે તે શિક્ષકો વધુ લાયકાત વાળા હોય તેમાંથી ઘણા શિક્ષકોએ શિક્ષણ સમિતિમાં હાજર થયા નથી તો કેટલાક આવ્યા છે અને જેટલા કેટલાક હાજર થયા છે તેઓ પણ શિક્ષક લાંબો સમય શિક્ષક તરીકે ફરજ બજાવે તેવી શક્યતા ઘણી ઓછી છે તેના કારણે ફરીથી શિક્ષકોની ઘટની સમસ્યા .યથાવત જોવા મળી રહી છે.
દરમિયાન પાલિકાના લિંબાયત ઝોના મીઠી ખાડી અને ડુંભાલ ટેનામેન્ટ વિસ્તારની બે શાળાના મુદ્દે વિવાદ ઉભો થયો છે. પાલિકાએ આ જગ્યાએ શાળા નવી બનાવવા માટે વર્ષ 2017 અને 2021 માં બે શાળાનું ડિમોલીશન કર્યું પણ હજી સુધી નવી શાળા માટે એક ઈંટ પણ મુકી ન હોવાથી ત્યાં ખુલ્લા મેદાન છે. આ બે શાળા મળીને બે હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ પોતાની સ્કૂલ નજીકની અન્ય શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે. શાળા નંબર 74 અને 234ના વિદ્યાર્થીઓને થોડા સમય માટે બંધ પડેલા આંજણા નાગરિક સુવિધા કેન્દ્રમાં શાળા શિફ્ટ કરવામાં આવી હતી.
આંજણા નાગરિક સુવિધા કેન્દ્ર બંધ હતું તેમાં સ્કૂલ શરૂ કરી દેવામાં આવી છે તેમાં બેન્ચીસ ન હોવાથી વિદ્યાર્થીઓ બેન્ચીસ વિના અભ્યાસ કરી રહ્યાં છે. આ અંગે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળા એ કહ્યું છે કે, ગરીબ અને લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે, લિંબાયત ઝોન દ્વારા નવનિર્મિત શાળા ભવન બનાવવા માટે વર્ષ 2017 માં ડીમોલેશન કરવામાં આવેલ તથા ડુંભાલ ટેનામેન્ટ પાસે આવેલ શાળાને નવનિર્મિત શાળા ભવન માટે વર્ષ 2021માં ડીમોલેશન કરવામાં આવેલ પરંતુ ઉપરોક્ત સ્થળો પર આજદિન સુધી નવનિર્મિત શાળા ભવન માટે "એક ઈંટ" મુકાઈ નથી શાળાઓનાં વિદ્યાર્થીઓ નજીકની અન્ય શાળામાં તેમજ બંધ પડેલ આંજણા સ્થિત નાગરિક સુવિધા કેન્દ્રની જગ્યામાં ઘેટા બકરા ની જેમ અભ્યાસ કરવા મજબુર બની રહ્યાં છે.
સુરતને સ્માર્ટ સીટીનો દરજ્જો મળ્યો છે પરંતુ પાલિકા સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષ કરતાં વધુ સમયથી તોડી પડાયેલી શાળા બની શકતી નથી તેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. સરકારની સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી ભવન બનાવવાના હતા પરંતુ હજી સુધી તે બની ન હોવાથી ઝડપભેર બને તે માટેની કામગીરી કરવા માટે માગણી કરવામાં આવી છે.