સુરતના શિક્ષણ મંત્રી બન્યાને પહેલા જ દિવસે તેમના વિસ્તારમાં દેખાવો
- પાલિકાની પુણાની શાળામાં 400 વિદ્યાર્થીઓ વચ્ચે ચાર શિક્ષક : શિક્ષકોની ઘટ પુરી કરવા માગણી
- પાલિકાની શાળામાં જો શિક્ષકોની ઘટ પુરી કરવામાં નહી આવે તો આજે સહી ઝુંબેશ બાદ વાલીઓ સાથે આંદોલન કરવાની ચીમકી
સુરત,તા.13 ડિસેમ્બર 2022,મંગળવાર
સુરત કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરીયાને ગુજરાત સરકારના મંત્રી મંડળમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધાના બીજા જ દિવસે તેમના મત વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની શાળા સાથે પાલિકાની શાળામાં શિક્ષકોની ઘટ પુરી કરવા માટેની માગણી સાથે આજે સહી ઝુંબેશ કરવામાં આવી છે. પાલિકાની પુણાની શાળામાં 400 વિદ્યાર્થીઓ સામે આચાર્ય સહિત માત્ર ચાર જ શિક્ષકો છે તની ઘટ પુરી કરવા માટેની માગણી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીમાં સુરતની તમામ 12 બેઠક પર ભાજપનો કબ્જો થઈ ગયો અને કોગ્રેસ અને આપનો સફાયો થઈ ગયો છે. સુરત કામરેજ બેઠકના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરીયાનો મત્રી મંડળમાં સમાવેશ થયો છે અને તેમને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વિભાગ આપ્યો છે. તેમણે આજે મંત્રી મંડલનો ચાર્જ સંભાળ્યો કે તે જ દિવસે આજે તેમના મત વિસ્તાર એવા પુણામાં કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું.
આજે કોગ્રેસ દ્વારા પુણા વિસ્તારમાં એક દેખાવો કરવામા આવ્યો હતો જેમાં તેઓએ કહ્યું હતું કે, ભાજપ અને આપ દ્વારા શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ શિક્ષણ માટે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. કોંગ્રેસ કહે છે કે, પુણાગામ ખાતે આવેલ પાલિાકની શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી એક આચાર્ય સહિત ફક્ત ચાર જ શિક્ષકો હોય જેના કારણે શાળામાં અભ્યાસ કરતા 400થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ સમયસર મળતું નથી હાલ આ શાળામાં નવ શિક્ષકોની ઘટ છે જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે
આ અંગે રજુઆત કર્યા બાદ પણ જો શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા વાલીઓને સાથે રાખી આક્રમક આંદોલન કરવામાં આવશે તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હાલના નિષ્ફળ અને બે જવાબદાર શાસકોના કારણે આજે સમગ્ર સુરત શહેરમાં સુરતની સરકારી શાળા એટલે શિક્ષક વગરની શાળા તરીકેની એક ઓળખ ઊભી થઈ રહી છે. તેવો આક્ષેપ કરાયો હતો.આ ઘટ પુરી કરવા માટે કોગ્રેસે વાલીઓને સાથે રાખીને પાલિકાની શાળામાં સહી ઝુંબેશ કરી હતી અને આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.