સુરત: દામકા, વાંસવા અને જુનાગામના છ મંદિરના પિત્તળનો ઘંટ ચોરી તસ્કરો ફરાર
- છેલ્લા એક મહિનામાં કસબ અજમાવ્યો, ઇચ્છાપોર અને હજીરા પોલીસે ચોરની શોધખોળ હાથ ધરી
સુરત, તા. 29 જુલાઈ 2020 બુધવાર
દામકા ગામના સીધવાઇ માતાના મંદિર, વેરાઇ માતાના મંદિર તથા ખાડિયા હનુમાનજી મંદિર, વાંસવા ગામના સંતોષી માતાના મંદિર તથા પાળદેવી માતાના મંદિર અને જુનાગામના સાકરીયા હનુમાન મંદિરમાંથી તસ્કરો પિત્તળના 6 ઘંટ કિંમત રૂા. 36 હજારની મત્તાના ચોરીને ફરાર થઇ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
હજીરા રોડના ત્રણ ગામના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો કસબ અજમાવ્યાની ફરિયાદ નોંધાય છે. દામકા ગામના માંડવી ફળિયાના સીધવાઇ ભવાની માતાના મંદિરની બહાર લગાવેલો પીત્તળનો ઘંટ રૂા. 4 હજાર, દરજી ફળિયામાં વેરાઇ માતાના મંદિરનો રૂા. 3 હજારની કિંમતનો ઘંટ તથા નાગર ફળિયામાં ખાડીયા હનુમાન મંદિરનો રૂા. 7 હજારનો ઘંટ તસ્કરો ચોરી ગયા હતા.
જ્યારે વાંસવા ગામના સંતોષી માતાના મંદિરનો રૂા. 5 હજારની કિંમતનો ઘંટ તથા આમલી ફળિયામાં પાળદેવી માતા મંદિરનો રૂા. 10 હજારની કિંમતનો ઘંટ તસ્કરો ચોરી ગયા હતા.
હજીરા નજીક આવેલા જુનાગામના રાંગ ફળિયામાં સાકરીયા હનુમાન મંદિરનો રૂા. 7 હજારની કિંમતનો પીત્તળનો ઘંટ તસ્કરો ચોરી ગયા હતા.ઘટના અંગે ઇચ્છાપોર અને હજીરા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.