For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરીતાના ઘરે ઉજવણી: ગોલ્ડન ગર્લને રૂ. એક કરોડનું ઇનામ

- શુભેચ્છા સાથે સરિતા પર રૂપિયાનો વરસાદ : આ ખેલ મહાકુંભની ફળશ્રુતિ છે : સરિતા ગાયકવાડ

- માતા-પિતા અને ગામલોકોએ ડાંગી ડાન્સ કર્યો

Updated: Aug 31st, 2018

સરીતાના ઘરે ઉજવણી: ગોલ્ડન ગર્લને રૂ. એક કરોડનું ઇનામ

Article Content Image

Article Content Image

Article Content ImageArticle Content Image

Article Content Imageવાંસદા, તા. 31 ઓગસ્ટ 2018,  શુક્રવાર

એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારી સરીતા ગાયકવાડના ઘરે  ઉત્સવનો માહોલ છે. ધારાસભ્ય મંગળ ગાવિતે સરીતાના પિતાનું શાલ અને માતાને સાડી આપી સન્માન કર્યું, સાથે ધારાસભ્ય તથા સરિતાના માતા-પિતા અને પરિવારજનોએ ગામ લોકો સાથે મળી  ડાંગી ડાન્સ કર્યો હતો.

ડાંગ જિલ્લાના અંતરિયાળ કરડીઆંબા ગામમાં જ્યાં આજે પણ સુવિધાનો અભાવ છે. ત્યાંથી દીકરીએ વિદેશમાં જઇને ભારતને સન્માન અપાવ્યું છે, દેશનું અને સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે, આ ગરીબ પરિવારમાં ઉછરેલી સરીતાને નાનપણથી જ ખેલ ક્ષેત્રે રુચિ હતી. પરિવાર તરફથી પણ મોરલ સપોર્ટ ખૂબ મળતો હતો.

જો કે, આર્થિક તંગીના કારણે ખેલાડી તરીકેની કારકિર્દી બનાવવી એક સ્વપ્ન લાગતું અને તેનું આ સ્વપ્ન ગુજરાત સરકારના ખેલ મહાકુંભ દ્વારા સાકાર બન્યું છે. જેનો તેના પરિવારજનો અને ડાંગના આગેવાનોને ગર્વ છે. સરીતાની આ  સિદ્ધિને બરદાવવા તેના માતા-પિતાને શુભેચ્છા આપવા તેના ઘરે ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં આદિવાસી પરંપરા મુજબ ડાંગી નૃત્ય કરી લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યએ સરીતાની માતો સાડી જ્યારે પિતાને શાલ ઓઢાડી ફુલહાર કરી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ થકી રાજ્યનાં અંતરિયાળ વિસ્તાર હોય કે પછી ખૂણે ખૂણે રમતવીરોમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા માટે શ્રેષ્ઠત્તમ સાબિત થઇ રહ્યો છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અન્ય યુવાઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૧ કરોડના પુરસ્કારની જાહેરાત કરી છે.

કોંગ્રેસના અમિત ચાવડાએ ૧ લાખ ૧૧ હજારની જાહેર કરી છે,  તો સ્થાનિક ધારાસભ્ય મંગળ ગાવિતે પોતાનો એક માસનો પગાર આપવાની જાહેરાત કરી ચેક અર્પણ કર્યો છે. રાજ્યમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ચાર-ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી કુમારી સરીતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રતમ મહિલા બની છે.

ટીમ ઈવેન્ટ હોય રૂ. ૬૬ લાખનો પુરસ્કાર આપવાપાત્ર પણ સરકારે ૧ કરોડ જાહેર કર્યા

ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અમલમાંછે. સરીતા ગાયકવાડે ૪ ટ ૪૦૦ મીટર રીલેની ટીમ ઈવેન્ટમાં અન્ય ત્રણ મહિલા ખેલાડીઓ સાથે ભાગ લીધો હતો. જેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. રાજ્યની પ્રવર્તમાન ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ વ્યક્તિગત ઈવેન્ટ માટે ગોલ્ડ મેડલ વિજેતાને રૂ. બે કરોડ આપવાની જોગવાઈ છે. સરિતાની ઈવેન્ટ એ ટીમ ઈવેન્ટ છે, જેથી પ્રવર્તમાન જોગવાઈ મુજબ બે કરોડના ૩૩ ટકા એટલે કે રૂ. ૬૬ લાખ આપવા પાત્ર થાય છે. ગુજરાતની આ પ્રથમ પ્રતિભાશાળી ખેલાડીના એશિયન ગેમ્સ-૨૦૧૮ માં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ બદલ મુખ્યમંત્રી વિજય રૂપામીએ રૂ. ૬૬ લાખના બદલે રૂ.૧ કરોડનું પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.

ગોલ્ડન ગર્લ સરીતાના ગામ જવા માટે સીધી બસ  સેવા પણ નથી

ઘરની સ્થિતિ પણ સામાન્ય : સરકારી યોજનાના ગેસ કનેકશન, શૌચાલય પણ નથી

ઇન્ડોનેશીયા ખાતે રમાયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં દેશનું નામ રોશન કરનાર ગોલ્ડન ગર્લ સરીતાબેન ગાયકવાડના પરિવારને પાયાની સુવિધા આપવા રાજ્ય સરકાર સહિત સ્થાનિક વહીવટીતંત્ર વામણું  પૂરવાર થયું હોવાનું ડાંગ ધારાસભ્ય મંગળ ગાવિતે આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.

રાષ્ટ્રીય અને  આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરનાર સરીતા ગાયકવાડના માદરે વતન કરાડીઆંબા ખાતે પરિવાર સરકારી સહાય વિનાનાં કાચા ઘરમાં દયનીય સ્થિતિમાં છે. તેઓ જે ઘરમાં રહે છે. તેમાં શૌચાલયની વ્યવસ્થા પણ નથી. તેમજ ઉજ્જવલ્લા યોજના હેઠળ ઘર-ઘર ગેસ કનેકશન પણ ન મળતા હજુ પણ તેમનો પરિવાર બળતણનાં ચુલા પર રસોઇ બનાવી દયનીય  સ્થિતિમાં રહેવા મજબૂર છે. દેશના વડાપ્રધાન મહિલાઓને બળતણના ચુલા દ્વારા આંખમાં ધુમાડા જવાથી બળતરાથી છુટકારો મળ્યો હોવાની મોટી-મોટી જાહેરાતો કરી છે પરંતુ દેશને વિશ્વ ફલક પર રોશન કરનાર ગોલ્ડનગર્લ સરીતાના પરિવારને હજી સુધી સરકારી શૌચાલય કે ગેસ કનેકશન ન મળતા વિકાસ મોડલ બુમરેંગ સાબિત થઇ રહ્યો છે.

તદ્ઉપરાંત જિલ્લા મથકેથી ૩૫ કિ.મી.નાં અંતરે આવેલ કરાડીઆંબાને સીધી બસ સેવા પણ ઉપલબ્ધ કરાવાઇ નથી. અહીંના લોકોને જિલ્લા મથકે જવા ૪ કિ.મી. ચિંચલી સુધી પગપાળા જઇ ચિંચલીથી અન્ય વાહનો દ્વારા આહવા જાય છે. સ્થાનિક તંત્ર દ્વારા કરાડીઆંબા ગામવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળે તે જરૂરી છે.

Gujarat