Get The App

ધરમપુરના જંગલ વિસ્તારમાંથી 19 જાતિના દુર્લભ વૃક્ષો મળી આવ્યા

લોકડાઉનના સમયમાં વનવિભાગે સ્થાનિક ગ્રામજનો સાથે વન વિસ્તારો ખુંદીને દુર્લભ વૃક્ષોના બીજ એકત્રીકરણ કર્યા હતા

Updated: Sep 30th, 2020

GS TEAM


Google News
Google News

વલસાડ,તા-30 સપ્ચેમ્બર 2020 બુધવાર

વલસાડ જિલ્લાના ધરમપુરના જંગલોમાં વન વિભાગના કર્મચારીઓએ ૧૯ જાતિના દુર્લભ વૃક્ષોની ભાળ મેળવી છે.  જેના નામ કદી સાંભળ્યા ન હોય કે જોયા ન હોય તેવી આ વનસ્પતિઓ  છે. હાલ આ વૃક્ષોને નવપલ્લિત કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

  કપરાડાના વૈદ્ય મનોજભાઇ જાદવ આ વનસ્પતિઓનું મુલ્ય જણાવતાં કહે છે કે, હાથ-પગના દુઃખાવામાં ખડસિંગનું વૃક્ષ ઉપયોગી છે. તો ઘૂંટણના દુઃખાવામાં કાયલી (જંગલી આંબલી) રાહત આપે છે. પથરીના ઇલાજમાં પાઘળ તો મરડામાં મેઢાસિંગ અકસીર છે.  આયુર્વેદિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વની સાથે પર્યાવરણ જાળવતી આ વનસંપદાથી જંગલો વધુ સઘન બને અને ઉપયોગી વૃક્ષ-વેલાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે વન વિભાગે નાનાપોંઢાના બોટની પ્રોફેસર ડૉ.સંદિપ પટેલની મદદ લીધી છે. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને વનસ્પતિઓના મહત્ત્વને સમજાવી તેમના સહયોગ થકી બીજ એકત્રિકરણની કામગીરી વન વિભાગે કરી છે. લોકડાઉનના સમયમાં વન વિસ્તારો ખુંદીને દુર્લભ વૃક્ષોના બીજ એકત્ર કરવામાં આવ્યા હતા. અને હાલ તેના છોડ નર્સરીઓમાં તૈયાર થઇ રહ્યા છે.

રાજયમાં લુપ્ત થતી વન્યસંપદાના સંવર્ધન માટે વનવિભાગનું શીલ્વા એકમ નર્મદા ખાતે કાર્યરત છે. રાજયમાં પ્રથમવાર વલસાડ જિલ્લામાં ઉત્તર વનવિભાગના અધિકારીઓએ આ પ્રકારનો પ્રયાસ કર્યો છે.  પ્રાચીન ગ્રંથોમાં વૃક્ષોનું મહાત્મ્ય સમજાવ્યું હોવાનું સહાયક વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું છે. તેમના દ્વારા કપરાડા, ધરમપુર, વાંસદા રેન્જમાં દુર્લભ વૃક્ષોનું સંવર્ધન કરવા ૨૦ હજાર જેટલા છોડનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેને આવતા વર્ષે રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વાવેતર કરવામાં આવશે.

વલસાડ ઉત્તર અને દક્ષિણ રેંજનો વિસ્તાર

વલસાડ ઉત્તર વન વિભાગ હસ્તક ધરમપુર રેન્જમાં ૧૪૦૨૧ હેકટરપંગારબારીમાં ૧૨૫૭૪હનમતમાળમાં ૧૧૪૮૨વલસાડમાં ૭૧૨, વાંસદા પૂર્વમાં ૯૭૨૧, વાંસદા પશ્વિમમાં ૧૦૫૪૧ અને ચીખલી રેંજમાં ૩૭૮૨ હેકટર રિઝર્વ ફોરેસ્ટનો સમાવેશ થાય છે. દક્ષિણ વન વિભાગમાં કપરાડા તાલુકામાં ૫૦ હજાર હેકટર રિઝર્વ ફોરેસ્ટ છે.  આ બધા જ વનક્ષેત્રના અધિકારી-કર્મચારીઓ સ્થાનિક ગ્રામીણોના સહયોગ થકી જંગલોના સંરક્ષણ અને સંવર્ધન સાથે લુપ્ત થતી અને દુર્લભ વનસ્પતિઓને બચાવવા પણ આગવી કામગીરી કરી રહયા છે.

આ છે 19 જાતિની દુર્લભ વનસ્પતિ

આ ૧૯ વૃક્ષોમાં બોથી, ખડસિંગ, કવીશા, પંગારો, કરમલ, સફેદ પાઘળ, પીળો ખાખરો, મેઢાશિંગ, નાની ચમોલ, મોટી ચમોલ, રગત રોહિડો, ચંડીયો, કંપીલો, દવલો, કુંભ, હુંભ, વરસ, કાયલી (જંગલી આંબલી), પીળા ફુલ ધરાવતો શીમળો (સામર) જેવા વૃક્ષો અને વેલાઓનો સમાવેશ થાય છે. 

Tags :