Get The App

ઓનલાઈન રક્ષાબંધન : કોરોનાના કારણે શરૂ થયેલો ઓનલાઈન રક્ષાબંધનનો ટ્રેન્ડ વિદેશમાં રહેતા ભાઈઓ માટે આર્શીવાદરૂપ

Updated: Aug 30th, 2023

GS TEAM


Google News
Google News
ઓનલાઈન રક્ષાબંધન : કોરોનાના કારણે શરૂ થયેલો ઓનલાઈન રક્ષાબંધનનો ટ્રેન્ડ વિદેશમાં રહેતા ભાઈઓ માટે આર્શીવાદરૂપ 1 - image


- વિદેશમાં રહેતા ભાઈને બહેને મોકલેલી રાખડી રૂમમાં સાથે રહેતા ભાઈઓએ બાંધી કરી રક્ષાબંધનની ઉજવણી 

 - અભ્યાસ કે નોકરી માટે વિદેશ ગયેલા ભાઈને બહેનોએ રાખડી તો મોકલી પણ ત્યાં બહેન ન હોવાથી સાથે રહેતા ભાઈઓએ એક બીજાને ભારતીય સમય મુજબ રાખડી બાંધી : બહેનની ખોટ પડી હોવાથી એક બીજાને રાખડી બાંધતા ભાઈઓની આંખ ભીની થઈ હતી

સુરત,તા.30 ઓગસ્ટ 2023,બુધવાર

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના કારણે શરૂ થયેલો ઓનલાઈન રક્ષાબંધનનો ટ્રેન્ડ વિદેશમાં રહેતા ભાઈઓ માટે આર્શીવાદરૂપ બની ગઈ છે. કોરોનાના કારણે વિદેશમાં પાર્સલ કે પોસ્ટ નહી થઈ શકતા અનેક ભાઈ બહેનોએ વિડીયો કોલથી રક્ષા બંધનની ઉજવણી કરી હતી તે ટ્રેન્ડમાં હવે વધારો થયો છે. વિદેશમાં  અભ્યાસ કે નોકરી માટે ગયેલા ભાઈને બહેને મોકલેલી રાખડી રૂમમાં સાથે રહેતા ભાઈઓએ બાંધી કરી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વિદેશ ગયેલા ભાઈને બહેનોએ રાખડી તો મોકલી પણ ત્યાં બહેન ન હોવાથી સાથે રહેતા ભાઈઓએ એક બીજાને ભારતીય સમય મુજબ રાખડી બાંધી હતી. જોકે, આ સમયે બહેનની ખોટ પડી હોવાથી એક બીજાને રાખડી બાંધતા ભાઈઓની આંખ ભીની થઈ હતી.

ઓનલાઈન રક્ષાબંધન : કોરોનાના કારણે શરૂ થયેલો ઓનલાઈન રક્ષાબંધનનો ટ્રેન્ડ વિદેશમાં રહેતા ભાઈઓ માટે આર્શીવાદરૂપ 2 - image

સુરત સહિત વિશ્વમાં કોવિડ-19એ હાહાકાર મચાવનાર કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તો બીજી તરફ કોરોનાને કારણે અનેક લોકોને અન્ય રોગો ઘર કરી ગયા છે. કોરોનાની અનેક નેગેટિ ઈફેક્ટ સાથે કોરોના દરમિયાન લોકોએ સમય અને સંજોગોને કારણે કરેલી ઓન લાઈન રક્ષાબંધનનો ટ્રેન્ડ વિદેશમાં રહેતા ભાઈ બહેનો માટે આર્શીવાદરૂપ બની રહ્યો છે. કોરોના સમયે પાર્સલ કે પોસ્ટથી રાખડી મોકલવી મુશ્કેલ હોવાથી કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો કોલ કરીને રક્ષા બંધનની ઉજવણી કરી હતી.

ભારતમાં રહેતી બહેન રક્ષા બંધનના દિવસે વિદેશમાં રહેતા ભાઈને ભારતીય સમય પ્રમાણે વિડિયો કોલ કરે અને વિદેશમાં મધ્યમાત્રીનો સમય હોવા છતાં ભાઈ તે સમયે નાહી ધોઈને તૈયાર થઈને ફોન સામે આવી જાય છે. સુરતમાં બેઠેલી બહેન હાથમાં રાખડી લઈને કેમેરા સામે ધરે છે અને કેનેડાના ટોરેન્ટોમાં બેઠેલો ભાઈ હાથ લાંબો કરે છે. બહેન જાણે સાચે રાખડી બાંધતી હોય તે રીતે કેમેરા સામે રાખડી બાંધે છે અને મોઢું પણ મીઠું કરાવે છે. આ રીતે સિમ્બોલિક રક્ષાબંધન થાય છે પરંતુ તેમાં ભાઈ બહેનનો પ્રેમ ઓરિજિનલ જોવા મળે છે. એક બીજા સાથે લાગણીથી રક્ષાબંધન થાય છે તે માટે અનેક પરિવારો સોશિયલ મિડિયાને આર્શિવાદ માને છે.

ઓનલાઈન રક્ષાબંધન : કોરોનાના કારણે શરૂ થયેલો ઓનલાઈન રક્ષાબંધનનો ટ્રેન્ડ વિદેશમાં રહેતા ભાઈઓ માટે આર્શીવાદરૂપ 3 - image

તો બીજી તરફ કોરોનાના પ્રતિબંધ હતી જતાં હવે સુરતમાં રહેતી બહેનોએ કેનેડા, ન્યુઝિલેન્ડ સહિતના અન્ય દેશોમા ભાઈને રાખડી પોસ્ટ કે પાર્સલથી મોકલી આપી હતી. બહેનોએ રાખડી તો મોકલી આપી પરંતુ ત્યાં કોઈ બહેન ન હોવાથી ભાઈઓને મુંઝવણ થઈ હતી. આ મુંઝવણનો ઉકેલ પણ ભાઈઓએ જાતે જ કરી લીધો હતો. અભ્યાસ કે નોકરી માટે વિદેશમાં રહેતા ભાઈઓ એક રૂમ કે ઘરમાં પાંચથી સાત લોકો રહે છે. આ લોકોએ પોતે એક બીજાને રાખડી બાંધવાનો નિર્ણય કર્યો હતો અને ભારતીય સમય પ્રમાણે તેઓએ બહેન દ્વારા મોકલેલી રાખડી એક બીજાને બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

ઓનલાઈન રક્ષાબંધન : કોરોનાના કારણે શરૂ થયેલો ઓનલાઈન રક્ષાબંધનનો ટ્રેન્ડ વિદેશમાં રહેતા ભાઈઓ માટે આર્શીવાદરૂપ 4 - image

કેનેડાના ટોરેન્ટોમાં રહેતા અંકિત પટેલ કહે છે, અમારી બહેન ભારતમાં છે અને તે રાખડી મોકલે છે પ્રેમથી મોકલેલી રાખડી અમે અમારી સાથે રહેતા અમારા મિત્રોના હાથેથી બંધાવી લઈએ છીએ. અમે એક ઘરમાં હું, મિલન પ્રજાપતિ, હર્ષ કાપડીયા, ભૌમિક વૈદ્ય, સ્વપ્નીલ, વત્સલ અને રવિ રહીએ છીએ. બધાની જ બહેનોએ ભારતથી રાખડી અને સાથે મીઠાઈ પણ મોકલી હતી. આજે રક્ષાબંધનના દિવસે ભારતીય સમયે રક્ષાબંધન થાય ત્યારે અમે લોકોએ એક બીજાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જોકે, અમે રક્ષાબંધનની ઉજવણી કરી હતી પરંતુ આજે અમારી બહેનની ખોટ અમને ચોક્કસ પડી હતી. આ રક્ષાબંનની ઉજવણી વખતે વિદેશમાં ભાઈઓ તો ભારતમાં રહેતી બહેનોની આંખ ભીની થઈ હતી.

Tags :