For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના દરમિયાન ગ્લોઝના ભાવમાં સુરત પાલિકા સાથે વિવાદ કરનારી એજન્સીને બ્લેક લિસ્ટ કરવા દરખાસ્ત

Updated: May 23rd, 2023

Article Content Image

- સુરત પાલિકાએ ત્રણ વખત એજન્સીને ખુલાસા માટે બોલાવ્યા પણ સંતોષકારક જવાબ નથી મળ્યો 

- રબર ગ્લોવ્ઝનું ટેન્ડર ભરનાર એજન્સી દ્વારા બાદમાં જોડીને બદલે એક નંગ નો ભાવ ભરવામાં આવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો  

સુરત,તા.23 મે 2023,મંગળવાર

સુરતમાં કોરોના દરમિયાન પાલિકા સંચાલિત સ્મીમેર અને મસ્કતિ હોસ્પિટલ સહિત પાલિકાની હેલ્થ સેન્ટર, મેટરનીટી હોમ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રબર ગ્લોવ્ઝ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદની એજન્સીને ટેન્ડર લાગ્યું હતું. ટેન્ડર લાગ્યા બાદ રબર ગ્લોવ્ઝનું ટેન્ડર ભરનાર એજન્સી દ્વારા બાદમાં જોડીને બદલે એક નંગનો ભાવ ભરવામાં આવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો  જેના કારણે અન્ય ટેન્ડરર પાસેથી રબર ગ્લોવ્ઝ ખરીદવા પડ્યા હતા તેના કારણે પાલિકાએ એજન્સીને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત રજૂ કરી છે.

સુરતમાં કોરોના સંક્રમણ હતું ત્યારે લોકોના જીવ બચાવવા માટે અનેક આયોજન કર્યા હતા. જેના ભાગ રૂપે આરોગ્ય વિભાગ દ્વારા ડિસ્પોઝલ નીડલ સહિત સર્જીકલ રબર હેન્ડ ગ્લોવ્ઝ અને લેટેક્સ મેડિકલ એક્ઝામીનેશન રબર ગ્લોવ્ઝ ખરીદવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં એલ-1 તરીકે આવેલ અમદાવાદના ન્યુ એરા માર્કેટિંગ સંસ્થા દ્વારા બાદમાં હેન્ડ ગ્લોવ્ઝનો ભાવ જોડીને બદલે નંગના હિસાબે ભરવામાં આવ્યો હોવાનું જણાવતાં ભારે વિવાદ થયો હતો. અલબત્ત, કોરોના મહામારીને પગલે મહાનગરપાલિકા દ્વારા અમદાવાદની એજન્સી દ્વારા ભરવામાં આવેલા ભાવ કરતાં અન્ય સંસ્થાના ભાવ ઓછા હોવાના કારણે તેની પાસેથી રબર ગ્લોવ્ઝની ખરીદી કરવામાં આવી હતી.

 અમદાવાદની સંસ્થા ન્યૂ એરા માર્કેટિંગ દ્વારા ટેન્ડરમાં સ્પષ્ટપણે હેન્ડ ગ્લોવ્ઝ જોડીનો ભાવ સૂચવવામાં આવ્યો હોવા છતાં નંગનો ભાવ ભરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે બાદમાં આરોગ્ય વિભાગ દ્વારા કંપની પાસેથી ત્રણ-ત્રણ વખત ખુલાસો માંગવા છતાં ટેન્ડરર દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા. ન્યૂ એરા માર્કેટિંગ દ્વારા 2.46 રૂપિયા પ્રતિ નંગ ગ્લોવ્ઝના ભાવની સામે એક અન્ય સંસ્થા દ્વારા 4.25 રૂપિયા ગ્લોવ્ઝ જોડીનો ભાવ ભર્યો હોવાને કારણે બાદમાં અન્ય સંસ્થા પાસેથી ખરીદી કરવામાં આવી હતી.   

આ અંગે અમદાવાદની સંસ્થા ન્યુ એરા માર્કેટિંગને આ બાબતે ખુલાસો પૂછતાં તેઓ દ્વારા પણ કોઈપણ પ્રકાર સંતોષજનક જવાબ આપવામાં આવ્યો નહોતો. જેને પગલે ટેન્ડરની શરતનો ભંગ કરવાના મુદ્દે વહીવટી તંત્ર દ્વારા હવે ન્યુ એરા માર્કેટિંગને રબર ગ્લોવ્ઝ મુદ્દે ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

Gujarat