Updated: Mar 19th, 2023
આઉટર રીંગરોડ પર વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે આયોજન
ગત ચોમાસામાં આઉટર રીંગરોડ પર ટીપી સ્કીમ નંબર 84 માં રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો તે સમસ્યા દૂર કરવા પાલિકાનું તાત્કાલિક આયોજન
સુરત, તા. 19 માર્ચ 2023 રવિવાર
સુરત મહાનગરપાલિકાના આઉટર રીંગરોડ ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને જાન્યુઆરી 2024માં પહેલો ફેઝ ખુલ્લો મૂકવા માટે આયોજન થઈ રહ્યું છે. આઉટર રિંગરોડ પ્રોજેક્ટ માટેની કામગીરી દરમિયાન ગત ચોમાસામાં આઉટર રીંગરોડ પર ટીપી સ્કીમ નંબર 84 માં રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. આ સમસ્યાનો નિકાલ આવે તે માટે પાલિકા તંત્રએ આ વિસ્તારમાં આઉટર રીંગરોડની બન્ને તરફ 56 કરોડના ખર્ચે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક ઉભુ કરવા આયોજન કર્યું છે.
આઉટર રિંગરોડ પ્રોજેક્ટ ની કામગીરી પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આઉટર રીંગરોડ ના પ્રથમ ફેઝ ના કુલ 17.31 કિલોમીટરના રુટ છે આ રુટ ડેવલપ કરવા માટે 486 કરોડનો ખર્ચ કરવામાં આવશે.આ પ્રોજેક્ટના કારણે ગઢપુર રોડ, સુરત કામરેજ રોડ મોટા વરાછા, ભરથાણા, કોસાડ ની નવી કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત આ રોડ ના કારણે અંદાજે 10 કિલોમીટર અંતર માં પણ ઘટાડો થશે. પાલિકાએ આઉટર રીંગરોડ ની કામગીરીમાં ગત ચોમાસા માં કેટલીક મુશ્કેલી પડી હતી તે આગામી ચોમાસામાં નહી પડે તેવું આયોજન થઈ રહ્યું છે.
આઉટર રીંગરોડ સાથે જોડાયેલા ટી પી સ્કીમ નંબર 84 ( કોસાડ- ભરથાણા- મોટા વરાછા અને અબ્રામા)માં ગત ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થયો હતો. આ સમસ્યાના નિવારણ માટે પાલિકાએ 56.23 કરોડના ખર્ચે વરસાદી ગટર ( સ્ટ્રોમ ડ્રેઈન)નું માટે આયોજન કર્યું છે અને આ ખર્ચ માટે ડ્રેનેજ કમિટિએ અંદાજોને મંજુરી આપી છે. પાલિકાના મહત્વકાંક્ષી એવા આઉટર રીંગરોડ પ્રોજેક્ટના રોડની સ્ટેબિલિટી કોઈ જોખમ ન આવે તેમાટે આ વર્ષે જ વરસાદી ગટર બનાવી દેવામાં આવશે.