Get The App

સુરત: ચૌટા બજારમાં કાયમી દબાણ દુર કરવા માટે પાલિકાનું આકરૂ વલણ

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
સુરત: ચૌટા બજારમાં કાયમી દબાણ દુર કરવા માટે પાલિકાનું આકરૂ વલણ 1 - image

- દુકાન બહાર દબાણ કરવામાં દુકાનદાર મદદ કરશે તો દુકાનો સીલ કરવામાં આવશે

- દુકાનદાર સામે પાલિકાની કાર્યવાહીનો આદેશ પણ બહારથી આવતાં ફેરિયાઓના દબાણ માટે કોઈ કામગીરી નહી

સુરત, તા.23 માર્ચ 2022,બુધવાર

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં દબાણ માટે કુખ્યાત ચૌટા બજારમાં દબાણ કાયમી ધોરણે દુર કરવા માટે પાલિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. પાલિકાએ ચૌટા  બજાર ના તમામ દુકાનદારોને નોટીસ ફટા કરીને તેમની દુકાન બહાર દબાણ થશે તો દુકાન સીલ કરવાની કામગીરી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. પાલિકાની આ નોટીસ ને પગલે આજે તો ચૌટા બજારમાં દુકાન બહાર દબાણ ઓછા થઈ ગયા છે પરંતુ બહારથી આવતા અને પાથરણા, છાબડી લઈને આવતા લોકોના દબાણ હજી પણ જોવા મળી  રહ્યાં છે.

સુરતના ચૌટા બજારમાં દબાણ દુર કરવા માટે સ્થાનિકો દ્વારા  આક્રમક વિરોધ કર્યા બાદ પાલિકા તંત્ર એ દબાણ માટે જવાબદાર એવા દુકાનદારોને નોટીસ ફટકારવાનું  શરૃ કર્યું છે. આ પહેલાં પાલિકાના કતારગામ ઝોનમાં દુકાન બહાર દબાણ થયા હતા તે દુકાનો સીલ કરવાની કામગીરી કરી હતી.  આ કામગીરી બાદ કતારગામ ઝોનમાં દુકાન બહાર થતા દબાણ દુર થતાં હવે તે જ રીત પાલિકા ચૌટા બજારમાં અપનાવવા જઈ રહી છે.

પાલિકા દ્વારા ચૌટા બજારમાં દુકાન ધરાવતા દુકાનદારોને નોટિસ ફટકારી છે તેમાં જણાવ્યું છે કે, ચૌટા બજારમાં કાયમી ધોરણે દબાણ દુર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ દુકાનો બહાર પાથરણા, એંગલ અને પતરા મુકવા સાથે લારી ઉભી રાખીને દબાણ કરવામાં આવે છે. દુકાનદાર દબાણની ગેરકાયદે પ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપી રહ્યાં છે તે બહાર આવ્યું છે. આ અંગે વારંવાર સૂચના આપવા છતાં પણ તમારી મિલકત બહાર ગેરકાયદે દબાણ થઈ રહ્યાં છે. 

દબાણ કરનારાઓને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે સ્થાનિક તથા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. તેથી આ નોટિસ આપીને ફરીથી વેપારીઓને જાણ કરવામાં આવે છે કે દુકાન બહાર દબાણ ત્રણ દિવસમાં દૂર કરવામાં આવશે નહીં તો દુકાન સીલ કરવામાં આવશે. પાલિકાની આ નોટિસ બાદ દુકાનદારોએ પોતાની દુકાન  બહાર દબાણ ઓછા કરી દીધા છે અને દુકાન સીલ થાય તેની બીકે કદાચ હંગામી ધોરણે આ દબાણ દૂર પણ થઈ શકે છે.

પાલિકાની આ નોટીસને પગલે ચૌટા બજારમાં દુકાન બહાર આજે દબાણ ઓછા થઈ ગયા છે પરંતુ બહાર ગામથી આવતા ફેરિયા અને પાથરણાવાળાઓ તથા છાબડી વાળા ના દબાણ યથાવત જોવા મળે છે. પાલિકા દુકાનદારો સામે તો સીલીંગ નો કોરડા વીંઝવા તૈયારી કરી રહી છે તેની સાથે ગેરકાયદે દબાણ કરતાં છાબડી વાળા કે પાથરણાવાળા સામે પણ પગલાં ભરે તેવી માગણી થઈ રહી છે.