સીસીટીવી કેમેરાની ગ્રાન્ટ માટે પાલિકા તંત્ર નિંદ્રામાં: સપ્ટેમ્બર 2016માં સામાન્ય સભામાં સીસી કેમેરાની ગ્રાન્ટ માટે ઠરાવ પાસ થયો
- સીસી કેમેરાની ગ્રાન્ટ માટે છ વર્ષ પહેલાં ઠરાવ પસાર થયો પણ ગ્રાન્ટના ઉપયોગ માટે ગાઈડલાઈન જાહેર નથી થઈ
- દરેક કોર્પોરેટર વર્ષે સીસી કેમેરા ની ગ્રાન્ટ માટે 50 હજારની ફાળવણી કરી શકે તેવો નિર્ણય કરાયો : જોકે નીતિ ના અભાવે હજી સુધી એક પણ કેમેરા માટે ગ્રાન્ટની ફાળવણી નથી થઈ શકી
સુરત,તા. 25 એપ્રિલ 2022,રવિવાર
સુરત સહિત સમગ્ર દુનિયામાં હાલ સીસીટીવી કેમેરા ગુનાખોરીને અટકાવવા તીસરી આંખ બની ગયાં છે.. જેના કારણે છ વર્ષ પહેલાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સીસીટીવી કેમેરાની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવો નિર્ણય કરાયો હતો. પરંતુ આ ગ્રાન્ટમાંથી સીસી કેમેરા કેવી રીતે ખરીદવા તે અંગે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી તેના કારણે હજુ સુધી આ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાયો નથી. હાલમાં મોટાભાગના સોસાયટીમાં સીસી કમેરા માટે ડિમાન્ડ કરવામાં આવી રહી છે પરંતુ નીતિ બની ન હોવાથી કોર્પોરેટર ગ્રાન્ટનો ઉપયોગ કરી શકતા નથી.
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સુરત શહેરમાં અનેક જગ્યાએ પાલિકાએ કેમેરા ગોઠવ્યા છે અને તે પોલીસ અને પાલિકા તેનો ઉપયોગ કરી રહી છે. શહેરને વધુ સલામત બનાવવા માટે રહેણાંક સોસાયટીમાં સીસી કેમેરા મુકવા ગ્રાન્ટ ફાળવવા માટે નો નિર્ણય કરાયો છે પરંતુ તેનો અમલ હજી શરૂ થયો નથી. સુરત મહાનગરપાલિકાની 13 સપ્ટેમ્બર 2016 ના રોજ એક ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. સ્વર્ણિમ સુરત યોજના અનુસંધાન આધુનિક સુવિધાઓ સીસીટીવી કેમેરા સિસ્ટમ માટે પાલિકાના દરેક કોર્પોરેટર ગ્રાન્ટમાંથી 20 ટકા ફાળો અથવા 50 હજાર રૂપિયા પૈકી જે રકમ ઓછી હોય તે ફાળવી શકશે. આ ઉપરાંત બાકીનો ખર્ચ રહેણાંક સોસાયટીઓએ ભોગવવાનો રહેશે તે પ્રકારની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
આ માટે સોસાયટીએ સુરત મહાનગરપાલિકા સાથે નિયત નમુનામાં એગ્રીમેન્ટ કરવાનો રહેશે. આ ઉપરાંત સી.એસ.આર. એક્ટીવીટી અથવા અન્ય સમકક્ષ ફાળા થી કામ પુરેપુરા ખર્ચની સહાય મેળવી શકાશે.આ દરખાસ્ત મંજુર થતાં પાલિકાના કોર્પોરેટર સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા માટેની ગ્રાન્ટ આપવા માટે ઉતાવળા બન્યા હતા. આ ઠરાવ 2016માં કરવામા આવ્યો છે પરંતુ હજી સુધી એક પણ કોર્પોરેટર સીસીટીવી કેમેરા માટેની ગ્રાન્ટ ફાળવી શકતા નથી.
આ પાછળનું કારણ એ છે કે ગ્રાન્ટના ઉપયોગ માટે ક્યા પ્રકારના કેમેરા ખરીદવામાં આવે તો ગ્રાન્ટ આપવામાં આવશે તેનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. જેના કારણે હાલ ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ સીસીટીવી કેમેરા માટેની ગ્રાન્ટ સોસાયટીમાં ઉપયોગ થાય તે માટે પદાધિકારીઓને રજુઆત કરી છે. જેના કારણે આગામી દિવસમાં રહેણાંક સોસાયટીમાં સીસીટીવી કેમેરા ની ગ્રાન્ટ માટેના પ્રશ્નો હલ આવે તેવી શક્યતા છે.