સુરત: વલસાડના બ્રેઈનડેડ યોગ શિક્ષિકાના અંગદાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું
- સુરતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના
સુરત, તા. 03 ઓક્ટોબર 2021 રવિવાર
વલસાડના વણકર સમાજના બ્રેઈનડેડ યોગ શિક્ષિકાએ કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપીને માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.
મૂળ મોરબીના મહેન્દ્રનગરના વતની અને હાલમાં વલસાડના સેગવી ખાતે માણેકબાગમા રહેતા 40 વર્ષીય રંજનબેન પ્રવિણભાઈ ચાવડા યોગ શિક્ષક તરીકેના કલાસીસ ચલાવતા હતા. ગત તા. 30મીએ સવારે રંજનબેન ઘરેથી મોપેડ પર તેમના બેન તનુજાને ત્યા પર જઈ રહ્યા હતા. ત્યારે વલસાડ ધરમપુર ચોકડી પાસે એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા તેમને ગંભીર ઈજા થઈ હતી. તેથી તેમને સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યાં તેમનું સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. શનિવારે તેમને ન્યુરો સર્જન, ન્યુરોફીજીશિયન સહિતના ડોક્ટરોએ રંજનબેનને બ્રેનડેડ જાહેર કર્યા હતા.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવી હતી. સુરતની પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરની ટીમે આવી લીવરનું દાન તથા અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડોક્ટરની ટીમે કિડનીનું દાન સ્વીકાર્યું હતું અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. દાનમાં મળેલું લિવરનું સુરતની પ્રાઇવેટ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં ડોક્ટરની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં લિવરનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે.
દાનમાં મળેલી એક કિડનીનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રાજકોટની રહેતા 40 વર્ષીય મહિલામાં અને બીજી કિડની વડોદરાની હોસ્પિટલમાં આણંદની રહેતા 45 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે જ્યારે રંજનબેના પતિ વલસાડમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. પુત્ર જય ઉ.વ. 16 ધોરણ 11 માં અભ્યાસ કરે છે.