For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતના 18 વર્ષના યુવાનનું હૃદય અંકલેશ્વરના 17 વર્ષના તરુણમાં ધબકતું થયું

Updated: Jan 1st, 2023

Article Content Image

વર્ષ 2022ના અંતિમ દિવસે સુરતમા વધુ એક અંગદાન 

હિરલ મહિડાના અંગદાન કરવાથી છ વ્યક્તિઓને નવજીવન મળ્યું

સુરત, તા. 01 જાન્યુઆરી 2023 રવિવાર

રાંદેર રોડ પર બાઈક સ્લીપ થયા બાદ બ્રેઈનડેડ યુવાનના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

રાંદેર રોડ મોરાભાગળ પાસે સુભાષ ગાર્ડન એસએમસી ક્વાટર્સમાં રહેતો 18 વર્ષીય હિરલ વિજયભાઈ મહીડા ગત તા. ૨૯મીએ સવારે ઘરે થી બાઈક પર એલ.પી.સવાણી રોડ મધુવન સર્કલ પાસે સલુનની દુકાનમાં કામ જવા નીકળ્યો હતો. ત્યારે રામનગર સર્કલ પાસે બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડની પાસે બાઈક સ્લીપ થતા નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા થઇ હતી. તેને તરત સારવાર માટે નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જો કે ત્યાં તેમનું સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ગત તા. ૩૦મીએ ડોક્ટરની ટીમે હિરલને બ્રેઈનડેડ જાહેર કયો હતો. જ્યારે ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી  તેમના પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

Article Content Image

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા સોટો દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પિટલમાં, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મળેલું હ્રદયનું અંક્લેશ્વરના 17 વર્ષીય યુવકમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જોકે ડોનેટ લાઈફ દ્વારા સુરતથી 43 માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું હતું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું  ભરૂચના રહેતા 34 વર્ષીય વ્યક્તિમાં તથા કિડનીનું સુરતના રહેતા 49 વર્ષીય વ્યક્તિમાં અને બીજી કિડનીનું સુરતના રહેતા 61 વર્ષીય વૃદ્ધામા સુરતની ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જ્યારે દાનમાં મળેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની હોસ્પિટલમાં કરવામાં આવશે. જ્યારે કિરણ હોસ્પિટલ થી મહાવીર હોસ્પિટલ હ્રદય સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1061 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 446 કિડની, 190 લિવર, 8 પેન્ક્રીઆસ, 43 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 344 ચક્ષુઓના દાનથી કુલ 974 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Gujarat