સુરત: સચિન-વાંઝના એલ.આઇ.જી આવાસમાંથી 1.654 કિ.ગ્રામ ગાંજા સાથે એક પકડાયો
- પાંડેસરાના નકુલ પાસેથી ખરીદી છુટક વેચાણ કરતો હતોઃ નકુલને વોન્ટેડ જાહેર કર્યો
સુરત, તા. 25 સપ્ટેમ્બર 2022 રવિવાર
સચિન નજીકના વાંઝ ગામના એલ.આઇ.જી આવાસમાં રહેતા બિહારી યુવાનને 1.654 કિલોગ્રામ ગાંજાના જથ્થા સહિત કુલ રૂ. 68 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
સુરત એસઓજીએ બાતમીના આધારે સચિન નજીકના વાંઝ ત્રણ રસ્તા નજીક એલ.આઇ. જી-2 આવાસના રૂમ નં. એલ 998 માં રહેતા બૈજનાથ શિવનંદર સિંહ (ઉ.વ. 52 મૂળ રહે. બારાડી, તા. કરાકાટ, જિ. રોહતક, બિહાર) પાસેની કાળા કલરની પ્લાસ્ટિકની બેગ ચેક કરી હતી. જેમાંથી 1.654 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જયારે ઘરની તલાશી લેતા ગાંજાનો નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી સ્ટીક વિગેરે મળી કુલ રૂ.68 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ગાંજાનો જથ્થો પાંડેસરા વિસ્તારમાં રહેતા નકુલ નામના વ્યક્તિ પાસેથી ખરીદી પોતે છુટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે નકુલને વોન્ટેડ જાહેર કર્યો હતો.