ફરી એક વાર સુરત મેયરનો બંગલો ખર્ચના કારણે ચર્ચામાં આવ્યો
- મેયરના બંગલાની જાળવણી માટે વાર્ષિક 27 લાખના ખર્ચ મુદ્દે વિપક્ષી સભ્યનો વિરોધ
- સુરતના મેયરના બંગલાના નિર્માણથી અત્યાર સુધી અનેક વખત ખર્ચના કારણે વિવાદમાં આવી ચુક્યો છે બંગલો
સુરત,તા.28 ડિસેમ્બર 2022,બુધવાર
સુરત મહાનગરપાલિકાના મેયરનો બંગલો બને તે પહેલાં જ વિવાદમાં આવી રહ્યો છે. બંગલા બન્યા બાદ પણ ખર્ચના કારણે વિવાદમાં આવ્યા પછી હવે બંગલાના નિભાવ ખર્ચના કારણે વિવાદમાં આવી ગયો છે. પાલિકાના વિપક્ષના એક નગર સેવકે મેયર બંઘલા પાછળના ખર્ચની આર.ટી.આઈ. માગીને બંગલા પાછળ વાર્ષિક 27 લાખનો ખર્ચ થાય છે તે ખર્ચ સામે વિરોધ નોધાવ્યો છે.
સુરત પાલિકાની ગત સામાન્ય સભામાં વિરોધ પક્ષના કોર્પોરેટર મહેશ અણઘડે મેયરના બંગલાના નિભાવ ખર્ચની માહિતી માગીને આજે મેયરના બંગલા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી નગરસેવકે કહ્યું હતું કે, મેઈન્ટેનન્સ માટે માહિતી માગવામાં આવી હતી તે માહિતી આપવામાં આવી નથી. આ બંગલા માટે લાઈટ બીલની માહિતી પણ પુરી આપવામાં આવી નથી તેવો આક્ષેપ કર્યો હતો. હાલ જે માહિતી આપવામાં આવી છે તે માહિતી માં દર મહિને મેયર બંગલામાં માત્ર આઠ હજાર રૂપિયાનું લાઈટ બિલ આવે છે તેમ જણાવવામાં આવ્યું છે તે આશ્ચર્યજનક છે.
હાલમાં જે માહિતી આપવામા આવી છે તેમાં વાર્ષિક 27 લાખનો ખર્ચ બતાવવામાં આવ્યો છે જેમાં બંગલાની જાળવણી માટે પાલિકાએ ચાર માર્શલ મુક્યા છે તેઓનો વાર્ષિક પગાર 12.32 લાખનો છે. જ્યારે ખાનગી સિક્યુરિટી 9.21 લાખ અને ચાર બેલદાર ગાર્ડન વિભાગનું કામ કરે છે તેની પાછળ ચાર લાખ રૂપયાનો ખર્ચ પણ સામેલ કરવામા આવ્યો છે. આ બંગલાનો મેઈન્ટેનન્સ અંગે માહિતી છુપાવવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યો છે.