પરીક્ષામાં પુસ્તક ન મળતા ઘરને જ લાઇબ્રેરી બનાવનાર પુસ્તકપ્રેમી રવજીભાઈની બીજી પુણ્યતિથિએ મોટા દિકરાએ હરતી ફરતી લાઇબ્રેરી બનાવી

- રવજીભાઈ જીવનભાઈ વ્યાસે નાનકડી દુકાનમાં 1 પુસ્તક થી કરેલી શરૂઆત આજે પાંચ લાખ પુસ્તકો સુઘી પહોંચી છે
- જરૂરિયાતમંદ સુરતીઓએ પુસ્તક વાંચવા માટે ડિપોઝિટ ચૂકવવાની નથી, જ્યારે બહાર ગામના લોકોએ ડિપોઝિટ ચૂકવવી ફરજીયાત
સુરત,તા.1 નવેમ્બર 2022,મંગળવાર
સુરતના એક પુસ્તક પ્રેમી રવજીભાઈ વ્યાસે પોતાના ઘરને જ લાઇબ્રેરી બનાવી હતી. રવજીભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલા આથાગ પુસ્તક યજ્ઞને તેમણે એમના છેલ્લા શ્વાસ સુધી એટલે કે વર્ષ ૨૦૨૦ સુધી એકલા હાથે પુસ્તકાલય ચલાવીને કર્યો હતો. જો કે તેમના મૃત્યુ બાદ મકાનના ત્રણ માળમાં સંગ્રહ થયેલા પાંચ લાખ જેટલા પુસ્તકોનોની સંભાળ મોટા કમલેશભાઈએ રાખી છે. એટલું જ નહીં જરૂરિયાતમંદોને નિ:શુલ્ક પુસ્તક આપવા માટે તેઓએ પિતાની બીજી પુણ્યતિથિએ ઘરની લાઇબ્રેરીને હરતી ફરતી લાઇબ્રેરી બનાવી દીધી છે.
વરાછા વિસ્તારના રવજી વ્યાસે વર્ષ ૧૯૯૯ થી તેમના ત્રણ માળના મકાનને અવનવા ફર્નિચરને બદલે પુસ્તકો, મેગેઝીન અને જૂના પેપરો થી શણગાર્યુ છે. બે વર્ષ પહેલા રવજીભાઈનું નિધન થયા બાદ લાઇબ્રેરીની જવાબદારી મોટા પુત્ર કમલેશ વ્યાસે ઉપાડી છે અને તે પિતાના સેવા યજ્ઞને આગળ વધારી રહ્યા છે. રવજીભાઈએ તેમાં અનેક વર્ષોના પુસ્તકો, સામયિકો તથા શબ્દકોષો ઉપલબ્ધ કર્યા છે. તેમની પાસે વિવિધ પબ્લીકેશનની ૫૦ ગીતા, ગાંધીજીના અક્ષરદેહના ૫૦ વોલ્યુમ, ૧૬ પુરાણ અને ૩૦૦ સંસ્કૃતના પુસ્તકો છે. ભારતની અનેક ભાષામાં લખાયેલા પુસ્તકો પણ છે. વળી એક આખો રૂમ માત્ર સફારી જેવા મેગેઝીનોથી ભરેલો છે. એ સિવાય આત્મકથાનાં પુસ્તકો, બાળસાહિત્ય, સસ્તુ-સાહિત્ય સહિતનાં અનેક પ્રકાશનોનાં લાખો પુસ્તકો જોવા મળે છે. લાખો રૂપિયાની ભાડાની આવક ઉભી થાય તેવી તેમની બિલ્ડીંગમાં રસોડાને છોડીને બધો ભાગ પુસ્તકોથી ઢંકાયેલો છે.

રવજીભાઈએ પોતે સાતમા ધોરણમાં વગર પુસ્તકે પરીક્ષા આપી હતી. જેથી જરૂરિયાતમંદ લોકોને પુસ્તકોની ખોટ ન પડે એ માટે તેમણે પુસ્તકોનો સંગ્રહ કર્યો છે. સંગ્રહમાં આશરે ૧૦૦ થી ૨૦૦ વર્ષ જુના પુસ્તકો છે. પચાસ વર્ષ પહેલાં જ્યારે ટેકનોલોજી ન હોવાને કારણે છાપા કે અન્ય પુસ્તકો હાથથી લખાતા હતા એવા પણ પુસ્તકો સાચવ્યા છે. આજે એમની બીજી પુણ્યતિથિ નિમિત્તે આ લાઇબ્રેરી હરતી ફરતી લાઈબ્રરીમાં રૂપાંતરિત થઈ છે.
આ અંગે પુત્ર કમલેશ વ્યાસે કહ્યું કે, પપ્પા લોકો દ્વારા પસ્તીમાં ત્યજી દેવાયેલા પુસ્તકોને તેઓ સાચવતા હતા. પુસ્તકોના પેપરની જાળવણી માટે કોઈપણ પ્રકારના પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પપ્પા હંમેશા સેલ્ફ મેડ જ રહ્યા છે. ફેફસાનું કેન્સર થવાને કારણે તેમનું ૬૦ વર્ષે એમનુ મૃત્યુ થયું છે. આજે તેમની બીજી વરસી છે જેથી

ફરતા ફરતા પુસ્તકાલયનો કોન્સેપ્ટ મેં ઇમ્પ્લીમેન્ટ કર્યો છે.
હરતી ફરતીનો અર્થ એ છે કે પુસ્તક સુધી વાંચન પ્રેમીઓ એ પહોંચવું પડશે નહીં ઉલટાનું પુસ્તકાલય જ તેમના ઘર સુધી આવશે . તમે વાંચીને ઘરેથી જ પરત કરશો અને ફરીથી બીજું પુસ્તક મંગાવશો. જેનીથી ખાસ તો સિનિયર સિટીઝન અથવા સુરતની બહારના વ્યક્તિઓ સુધી આપણા તમામ જુના પુસ્તકો પહોંચશે.
સુરતીઓ ફ્રીમાં ફાયદો લઈ શકશે : સુરત બહારના લોકોએ ડિપોઝિટ જમા કરાવવી પડશે
ડિપોઝિટને લઈને કમલેશ વ્યાસે વધુમાં કહ્યું કે, આ હરતી ફરતી લાઇબ્રેરીમાં સુરતના લોકો માટે એક પણ રૂપિયાની ડિપોઝિટ નથી. પરંતુ સુરત બહારના વ્યક્તિઓ કે જેઓ પુસ્તક વાંચવા માંગે છે એમને માટે પુસ્તકની કિંમત કરતા વધારે ડિપોઝિટ લેવાશે. કારણકે અગાઉ ૩-૪ હસ્તલેખનના પુસ્તક વાંચકોએ વાંચીને આપ્યા નથી. જે કડવો અનુભવ છે. મારા પિતાએ લાઇબ્રેરીને જાળવી રાખવા અને જરૂરીયાતમંદોની મદદ કરવા વર્ષોનું જે તપ કર્યુ છે તેને અમે એળે જવા દેવા ઈચ્છતા નથી.

