ટ્રકમાં ઓડિશાથી સુરત લાવવામાં આવેલા 724 કિગ્રા ગાંજા સાથે 6 ઝડપાયા
- આ પ્રકારની કાર્યવાહીમાં જૂન મહિના દરમિયાન ડ્રગ્સનો કુલ 1,315.700 કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે
સુરત, તા. 15 જૂન 2022, બુધવાર
એનસીબીની ટીમે સુરત ખાતેથી ગાંજાના ભારે મોટા જથ્થા સાથે 6 લોકોને ઝડપી લીધા છે. જાણવા મળ્યા મુજબ ગાંજાનો આ જથ્થો એક ટ્રક દ્વારા ઓડિશાથી સુરત પહોંચ્યો હતો. એનસીબીની ટીમે ગાંજાનો આ જથ્થો જે વ્યક્તિ રીસિવ કરવાની હતી તેના સહિત 6 લોકોને ઝડપી લીધા છે. આ સાથે જ ગાંજાના જથ્થા ઉપરાંત બે વાહનો અને એક લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવ્યા છે.
આ પ્રકારની કાર્યવાહી દ્વારા એનસીબીની ટીમે રાજ્યમાં ગાંજાની હેરાફેરી માટેની આંતરરાજ્ય ટીમનો પર્દાફાશ કર્યો છે તથા આવા માદક પદાર્થોના વધુ એક કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે.
એનસીબી દ્વારા જૂન મહિનામાં આ પ્રકારની ત્રીજી મોટી કાર્યવાહી સફળતાથી પાર પાડવામાં આવી છે. અગાઉ વાપી ખાતે આવેલી સાયકોટ્રોફિક સબસ્ટેન્સના ઉત્પાદનમાં સામેલ ફેક્ટરીમાંથી સાયકોટ્રોફિક સબસ્ટેન્સનો 68 કિગ્રા વજન ધરાવતો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
અન્ય એક કાર્યવાહીમાં એનસીબીની અમદાવાદની ટીમે 523 કિગ્રા ગાંજા સાથે ડ્રગ ટ્રાફિકિંગમાં સામેલ 3 લોકોની ધરપકડ કરી હતી.
આ પ્રકારની કાર્યવાહીમાં જૂન મહિના દરમિયાન ડ્રગ્સનો કુલ 1,315.700 કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે અથવા તો તેમને ઝડપી લેવામાં આવ્યા છે.
સુરત ખાતેથી ઝડપાયેલા ગાંજાના આટલા મોટા જથ્થા મામલે એનડીપીએસ અંતર્ગત કાર્યવાહી થશે જેમાં મિનિમમ 10 વર્ષની જેલની સજા તથા 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.