સુરતના વરાછા કતારગામમાં સૌરાષ્ટ્રની પરંપરા ગણાતા કોઠી આઈસ્ક્રીમ નું ચલણ વધ્યું
ખાંડવાળું ઉકાળેલું દૂધ, ફ્રુટ નો પલ્પ અને ડ્રાયફ્રુટનો ભુકાનું મિશ્રણને કોઠીમાં મુકી નેચરલ આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે
સુરત, તા. 12 માર્ચ 2023 રવિવાર
સૌરાષ્ટ્રના નાના ગામડાઓમાં જાણીતો બનેલો કોઠી આઈસ્ક્રીમ હવે સુરતના સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં પગદંડો જમાવી રહ્યો છે. સુરતમાં મીની સૌરાષ્ટ્ર તરીકે જાણીતા બનેલા વરાછા અને કતારગામમાં 250થી વધુ કોઠી આઈસક્રીમ ની દુકાનો થઈ ગઈ છે. કોઈ પણ જાતના પ્રીઝેટીવ અને કલર અથવા પાઉડનો ઉપયોગ વિના બનતો કોઠી આઈસ્ક્રીમ સૌરાષ્ટ્રીયન લોકો સાથે સુરતીઓમાં પણ ફેવરિટ થઈ રહ્યો છે.
ઉનાળાની શરૂઆત સાથે જ સુરતમાં આઈસ્ક્રીમ પાર્લર અને આઈસ્ક્રીમ ની દુકાનો પર ભીડ જોવા મળે છે. ઉનાળામાં અનેક મલ્ટીનેશનલ કંપનીની આઈસ્ક્રીમ નું ધૂમ વેચાણ થાય છે અનેક ફ્લેવર્ડની આઈસ્ક્રીમ વચ્ચે સુરતમાં સૌરાષ્ટ્રની કોઠી આઈસ્ક્રીમ આજે પણ સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં અડીખમ જોવા મળે છે. સુરતમાં બે દાયકાથી કોટી આઈક્રિમ નું વેચાણ કરનારા જયેશ અમીપરા કહે છે, અમારા ગામ નાની વાવડી જે ગારીયાધાર આવ્યું છે અમારા વિસ્તારમાં કોઠી આઈસ્ક્રીમ ઘરે બનાવવામાં આવે છે, કેટલાક લોકોના ઘરે આઈસ્ક્રીમ બનાવવાની કોઠી હોય તેને ત્યાં લોકો ખાંડવાળું ગરમ કરેલું દુધ અને ડ્રાય ફ્રુટ લઈને જાય અને તેઓ ગણતરીના સમયમાં આઈસ્ક્રીમ બનાવી આપી દે છે.
વર્ષો પહેલાં અમે સૌરાષ્ટ્રમાં કોઠી આઈસ્ક્રીમ બનાવતા હતા અને હવે સુરતને કર્મભૂમિ બનાવી છે ત્યારે રત્ન કલાકારની કામ સાથે રાત્રિના સમયમાં આઈસ્ક્રીમના વેચાણ કરવાનો ધંધો શરુ કર્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે અમે ફુલ ટાઈમ કોઠી આઈસ્ક્રીમ બનાવવાનો ધંધો શરુ કર્યો હતો. તેઓ વધુમાં કહે છે, અમે આઈસ્ક્રીમમાં કોઈ પણ આઇસક્રીમમાં આર્ટિફિશ્યલ કલર કે પ્રિઝર્વેટિવ ઉપયોગ નથી કરતા. સીઝનલ તાજા ફળ વાપરી પરંપરાગત પદ્ધતિ દ્વારા જ આઈસ્ક્રીમ બનાવી રહ્યાં છે. આઈસ્ક્રીમ માટેનું નેચરલ મિશ્રણ તૈયાર કરીને તેને કોઠીમાં મુકવામા આવે છે કોઠીના નળાકાર વાસણ ગોઠવ્યા બાદ ઢાંકણ ઢાંકી ચારેબાજુ રબરની ટ્યૂબ ફીટ કરીને ઇલેક્ટ્રિક મોટર થી દૂધને હલાવવામાં આવે છે. હલાવતા પહેલા વાસણની સાઈડમાં બરફ અને મીઠું ભરવામાં આવે છે. આથી 20 મિનિટમાં આઈસ્ક્રિમ બની જાય પછી આઈસ્ક્રીમ અને ફ્રીઝરમાં કન્ટેનરમાં ઠાલવી સેટ કરવામાં આવે છે.
કોઈ પણ જાતના એસેન્સ કલર કે કસ્ટર્ડ પાવડર વિના બનાવવામાં આવેલો આ નેચર આઈસ્ક્રીમ સૌરાષ્ટ્ર ઉપરાંત વરાછા અને કતારગામ વિસ્તારમાં કોઠી આઈસ્ક્રીમ ના નામે ઓળખાઈ છે જ્યારે અન્ય વિસ્તારમાં નેચરલ આઈસ્ક્રીમ ના નામે વેચાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે પણ દૂધ, ખાંડ અને ફ્રુટ અથવા ડ્રાયફ્રુટના મિશ્રણ વાળો આઈસ્ક્રીમ નું ઘણું ચલણ છે તેવી જ રીતે સુરતના સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં પણ કોઠી આઈસ્ક્રીમ નું વેચાણ થઈ રહ્યું છે અને હાલ સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં 250 થી વધુ કોઠી આઈસક્રીમ ની દુકાન થઈ ગઈ છે. વરાછા કતારગામ સિવાયના સુરતના વિસ્તારમાં કોઠી આઈસ્ક્રીમ જેવો જ નેચરલ આઈસ્ક્રીમ નું વેચાણ થાય છે પરંતુ તેને બનાવવાની પદ્ધતિ અલગ છે જેના કારણે હવે સુરતીઓ પણ સૌરાષ્ટ્રીયન પરંપરાની કોઠી આઈસ્ક્રીમ પસંદ કરી રહ્યાં છે.


