સુરતના મીઠાઈ બજારમાં વિવિધ ફ્લેવરમાં મોદક અને છપ્પન ભોગ હવે રેડીમેઈડ મળતા થયા
- શ્રીજીને પ્રિય એવા મોદકનો પ્રસાદ ઘરે બનાવવાની પરંપરા લુપ્ત થવાના આરે
- નાના મોજૉદખથી શરૂ કરી 25 ગ્રામનો મોદક અને ભક્તોના ઓર્ડર પ્રમાણે પાંચ કિલોના મોટા મોદકનું પણ બજારમાં વેચાણ
સુરત,તા.06 સપ્ટેમ્બર 2022,મંગળવાર
સુરત શહેરમાં ગણેશજીને પ્રસાદમાં પ્રિય એવા મોદકનો પ્રસાદ ઘરે બનાવવાની પ્રથા હવે લુપ્ત થવાના આરે છે. જોકે, કેટલાક સુરતી ગણેશ ભક્તો હજી પણ ઘરે મોદક નો પ્રસાદ બનાવી રહ્યાં છે. પરંતુ મીઠાઈ બજારમાં વિવિધ પ્રકારના મોદક ની એન્ટ્રી બાદ હવે મોદકનો પ્રસાદ સાથે સાથે 56 ભોગ પણ હવે રેડીમેઈડ મળતા થયા છે. ગણેશ ઉત્સવ દરમિયાન સુરતમાં એવી કોઈ મીઠાઈની દુકાન ન હશે જ્યાં મોદક મળતા ન હોય. આ ઉપરાંત હાલમાં ગણેશ મંડપમાં 56 ભોગનો ટ્રેન્ડ પણ વધુ ચાલતો હોવાથી મીઠાઈની દુકાનોમાં 56 ભોગ પણ રેડીમેઈડ મળી રહ્યો છે.
સુરતમાં કોરોના બાદ ગણેશોત્સવની ઉજવણી પણ ભવ્ય થઈ રહી છે સ્વાદ પ્રિય સુરતીઓ ગણપતિબાપાને પ્રસાદ પણ વિવિધ ટેસ્ટમાં ધરાવી રહ્યાં છે. સુરતમાં પહેલા ગણેશ મંડપમાં પ્રસાદમાં સાકરીયા દાણા, સાકર કે સાદા મોદકનો પ્રસાદ આપવામાં આવતો હતો. પરંતુ હવે ફ્લેવર્ડ મોદક સાથે બાપાને જાત જાતની મીઠાઈનો પ્રસાદ ધરાવી ભક્તોને આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બાપાને મોટા મોદક નો પ્રસાદ ધરાવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો હોવાથી મીઠાઈની દુકાનોમાં મોટા મોદકનું વેચાણ પણ થઈ રહ્યું છે.
સુરતના ઘોડદોડ રોડ પર મીઠાઈની દુકાન ધરાવતા કરણ મહેતા કહે છે, પહેલાં અમારી દુકાનમાં સાદા મોદક નું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ સુરતમાં ફ્લેવર્ડ મોદકની એન્ટ્રી બાદ વિવિધ ફ્લેવર્ડમાં મોદકનું વેચાણ થઈ રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક વખતથી ગણેશ ભક્તો મોટા મોદકની ડિમાન્ડ કરી રહ્યાં છે. તેના કારણે અમારે ત્યા નાના મોદક સાથે સાથે 250 ગ્રામ, 500 ગ્રામ સાથે એક કિલોના મોદકનું વેચાણ કરીએ છીએ. કેટલાક ગ્રાહકો મોટા મોદકની ડિમાન્ડ કરે તો તેમને ઓર્ડર પર પાંચ કિલો સુધીના મોદક બનાવી આપીએ છીએ.
આ ઉપરાંત ગણેશ મંડપમાં એક દિવસ 56 ભોગ ધરાવવાનો ટ્રેન્ડ પણ જોરમાં છે મોટા ભાગની સોસાયટીઓ સામુહિક રીતે 56 ભોગ ધરાવે છે અને સોસાયટીના લોકો જાત જાતની વાનગી અને મીઠાઈ 56 ભોગમાં ધરાવે છે. પરંતુ નાના મંડળ કે ઘરે જે લોકો ગણેશજીની સ્થાપના કરે છે તેમના માટે મીઠાઈની દુકાનોમાં રેડીમેઈડ 56 ભોગ ખાસ બનાવવામા આવે છે અને તે બાપાને ધરાવવામાં આવે છે. આમ સુરતની મીઠાઈની દુકાનોમાં હાલ ગણેશોત્સવ દરમિયાન વિવિધ ફ્લેવર્ડના મોદક અને રેડીમેઈડ 56 ભોગનું વેચાણ જોવા મળી રહ્યું છે.
આટલી ફ્લેવર્ડના મોદકનું વેચાણ
- સાદા મોદક
-વેનીલા મોદક
- ચોકલેટ મોદક
- રોઝ મોદક
- ડિલાઈટ મોદક
- ટોપરા મોદક
- ડ્રાયફ્રૂટ મોદક
- પાઈનેપલ મોદક
- ઓરેન્જ મોદક
- કાજુ મોદક
- બોન્ટી મોદક
- કેસર મોદક
ઘરે ગણેશજીના પ્રસાદમાં હોમ મેઈડ ચોકલેટ મોદકની પણ ડિમાન્ડ
સુરતના ગણેશ મંડપમાં હાલ વિવિધ ફ્લેવર્ડ મોદક નો પ્રસાદ બાપાને ધરાવવામાં આવી રહ્યો છે. તેની સાથે સાથે નાના ગણેશ મંડળ કે ઘરે જે લોકો ગણપતિજીની સ્થાપના કરે છે તે લોકોમાં હોમ મેડ ચોકલેટ અને ચોકલેટના મોદકનો પ્રસાદની પણ ડિમાન્ડ જોવા મળી રહી છે. જેના કારણે હોમ મેઈડ ચોકલેટ બનાવનારાઓને ત્યાં મીઠાઈની દુકાન વાળા ની જેમ ચોકલેટ અને ચોકલેટ મોદક ની ડિમાન્ડ જોવા મળી રહી છે.