For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માંગરોળ-ઝંખવાવ માર્ગ પર વિદ્યાર્થીઓનો ચક્કાજામ:પોલીસ વાન પર પથ્થરમારો

- ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓને પોલીસે માર મારતા વાત વણસી

Updated: Apr 14th, 2019

Article Content Image

- વેલાવીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ  પોલીસ જવાનની બદલીની માંગ કરી તો પોલીસ ચોકીમાં બોલાવી અને હોસ્ટેલમાં ઘુસી માર માર્યો 

મોસાલી,  તા. 14 એપ્રિલ 2019, રવિવાર

માંગરોળ તાલુકાનાં વેલાવી (વાંકલ) ગામે બે દિવસ અગાઉ સરકારી છાત્રાલયમાં કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓને પોલીસે મારતા પોલીસે બીચકાયો હતો. રવિવારે વિદ્યાર્થીઓએ માંગરોળ-ઝંખવાવ રાજ્યધોરી માર્ગ ઉપર વાંકલ ખાતે ચક્કાજામ કરી, દમન ગુજારનાર પોલીસની બદલી કરી પગલાં ભરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ચક્કાજામની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચતા વિદ્યાર્થીઓએ પોલીસને ઘેરી લઈ પોલીસવાન ઉપર પથ્થરમારો કરી કાચનાં ભુક્કા બોલાવી દીધા હતા. બનાવન જાણ થતાં ડીવાયએસપી અને આદિજાતિ કમિશ્નર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

માંગરોળ તાલુકાનાં વેલાવી (વાંકલ) ખાતે ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ વિભાગની બોઈઝ હોસ્ટેલ છે. જેમાં આસપાસનાં તાલુકાનાં અને ગામોનાં ૧૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. બે દિવસ અગાઉ રાત્રીનાં સમયે હોસ્ટેલનાં કેટલાક વિદ્યાર્થીઓ કંમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતા હતા ત્યારે રાત્રી પેટ્રોલીંગમાં નીકળેલી માંગરોળ પોલીસે વિદ્યાર્થીઓને માર્યા હતા. બીજા દિવસે વિદ્યાર્થીઓએ જે પોલીસે માર્યા હતા તેમની સામે પગલાં ભરવાની રજૂઆત પોલીસે અધિકારીઓને કરતાં કહેવાય છે કે પોલીસે વિદ્યાર્થીઓને જણાવ્યું કે, તમારા જવાબો લેવાનાં છે. એમ કહી ચોકી ઉપર બોલાવી ફટકાર્યા હતા.

સાથે જ હોસ્ટેલનાં રૂમ જઈને પણ કેટલાક વિદ્યાર્થીઓને ફટકાર્યા હતા. જેને પગલે વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા. અને રવિવારે સવારે ૧૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ માંગરોળ-ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ ઉપર હોસ્ટેલની સામે ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો. આ બનાવની જાણ માંગરોળ પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓએ પીએસઆઈ અને માર મારનાર પોલીસની બદલી કરવા તથા તેમની  સામે પગલાં ભરવા સહિતનાં સૂત્રોચ્ચાર હતા.

દરમિયાન મામલો વધુ ગરમાયો હતો અને વિદ્યાર્થીઓએ પોલીસ કાફલાને ધક્કે ચઢાવી, પોલીસ જીપ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં પોલીસ જવાનોને પણ ઈજા થઇ હતી. જ્યારે પોલીસ જીપનાં કાચને તોડી નાંખવામાં આવ્યો હતો. રેડીયેટરની આગળની જાળી પણ તોડી નાંખી હતી. જોકે, પોલીસ જીપને વધુ નુકશાન થાય એ પહેલા જ ડ્રાઈવર રીવર્સમાં જીપ હંકારી દૂર લઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી જાડેજા અને આદિજાતિ વિકાસ વિભાગનાં કમિશ્નર ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. આ અધિકારીઓએ એક બેઠક યોજી હતી.

કાયદો કાયદાનું કામ કરશે, તપાસ બાદ જવાબદાર પોલીસ સામે પગલાં ભરાશે:ડીવાયએસપી 

બેઠક બાદ ડીવાયએસપીએ જાડેજાએ જણાવ્યું કે, કાયદો કાયદાનું કામ કરશે અને તપાસ બાદ જે જવાબદાર હશે એની સામે પગલા ભરાશે. હાલમાં લોકસભાની ચૂંટણી હોય, અનેક જાહેરનામાઓ અમલમાં છે. ત્યારે આ બનાવ બનતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સાથે જ રવિવારે આ હોસ્ટેલની બાજુમાં આવેલી સરકારી કોલેજમાં ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા કર્મચારીઓની તાલીમ પણ ચાલી રહી હતી. મોડી સાંજે ઈજા પામેલા પોલીસ જવાનોને સારવાર માટે માંગરોળની સરકારી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ડીવાયએસપી પણ માંગરોળ પોલીસ મથકે જ હતા. 

Gujarat