For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતનું સ્નેહમિલન સફળ બનાવવા 30 હજારથી વધુ કાર્યકરોનો ભોજન સમારંભ

- સુરતમાં વધતા જતા કોરોનાં સાથે ભાજપનો સ્નેહમિલન

Updated: Nov 19th, 2021

Article Content Image

શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાશે સમારંભ: દરેક ઝોનમાંથી 3000 કાર્યકરો ભેગા કરવા સંગઠન ટીમને કામે લગાડી

સુરત, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર

દિવાળી બાદ સુરત શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતા જતા કેસ સાથે ભાજપે દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભાજપના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 30 હજારથી વધુ કાર્યકરો માટે ભોજન વ્યવસ્થા ઉભી કરવા કવાયત થઈ રહી છે. ભાજપના આ સ્નેહમિલન કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંગઠન ટીમને કામે લગાડી દેવામાં આવી છે.

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ માં આગામી 24 નવેમ્બરના રોજ શહેર ભાજપના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના અન્ય મહાનગરપાલિકા ના સ્નેહ મિલન કરતા સુરત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું હોમટાઉન હોવાથી આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. નૂતન વર્ષના આ સ્નેહમિલન કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ ધારાસભ્યો પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં કાર્યકરો ને હાજર રાખશે. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશપ્રમુખ આર પાટીલ ની આગેવાનીમાં સ્નેહમિલન કાર્યક્રમ થઈ રહ્યો છે. જેમાં હાલ તો 30,000 કાર્યકરોને હાજર રાખવા માટે આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં વધુને વધુ મેદની ભેગી થાય તે માટે ભાજપે સંગઠન ટીમનો ભરપૂર ઉપયોગ કર્યો છે. 

દરેક વોર્ડમાંથી 3000 કાર્યકરો ને ભેગા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 30 હજાર જેટલા કાર્યકરો માટે ભોજન સમારંભનું પણ આયોજન થઈ રહ્યું છે.

Gujarat