સુરત, તા. 04 સપ્ટેમ્બર 2022 રવિવાર
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન કેટલાક ગણેશ આયોજકોએ હિન્દુના આસ્થાના પ્રતીક એવા સ્થળના સેટ બનાવ્યા છે તો કેટલાક ગણેશ આયોજકોએ મુંબઈ લાલ બાગના રાજાના મૂર્તિ બનાવનાર કલાકાર પાસે આબેહુબ પ્રતિમા બનવાવડાવી તેની સ્થાપના કરી છે. જેના કારણે સુરતમાં જ લોકો લાલ બાગના રાજા અને ગંગાઘાટ આરતીના દર્શન પણ કરી રહ્યાં છે.
સુરતમા ગણેશોત્સવ જામ્યો છે અને હવે સુરતીઓ વિવિધ મંડળો દ્વારા કરવામા આવેલા ડેકોરેશન સાથે શ્રીજીના દર્શન કરી રહ્યાં છે. સુરતના કૈલાસનગર સાઈ યુવક મંડળ છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈના લાલ બાગ કા રાજા જેવી આબેહુબ પ્રતિમાની સ્થાપના કરી રહ્યું છે. આ માટે યુવક મંડળ મુંબઈ પ્રતિમા બનાવે છે અને તે પણ લાલ બાગના રાજાની પ્રતિમા જે કલાકાર બનાવે છે તેની પાસે જ બનાવડાવે છે.

કૈલાસનગર ગરબા ચોક ખાતે આ પ્રતિમાની સ્થાપના કરવામા આવી છે. આયોજકોનો હેતુ છે કે મુંબઈના લાલબાગના રાજાના ગણપતિ માં કરોડો લોકોની શ્રધ્ધા છે. દર વર્ષે સુરતથી પણ હજારો લોકો તેના દર્શન માટે જાય છે પરંતુ બધા માટે આ દર્શન કરવા શક્ય નથી. તેથી સુરતના લોકો પણ લાલ બાગના રાજાના ગણપતિના દર્શન કરી શકે તે માટે તેઓ આબેહુબ પ્રતિમા બનાવડાવીને તેની સ્થાપના કરે છે. જેવી રીતે મુંબઈ લોકો શ્રધ્ધાથી દર્શન કરે છે તેવી જ રીતે સુરતમાં પણ હજારો લોકો દર્શન કરી રહ્યાં છે.
મુંબઈ જઈ લાલ બાગના રાજાના દર્શન બધા ન કરી શકે તેવી જ રીતે હરિદ્વાર ગંગા ઘાટ અને ભગવાન મહાકાલ ની આરતી પણ બધાના નસીબમાં હોતી નથી. આ આરતીનો લાભ પણ સુરતના ગણેશ ભક્તો લઈ શકે તે માટે બેગમપુરા દુધારા શેરીના ગણેશ આયોજકો દ્વારા ખાસ સેટ ઉભો કરવામાં આવ્યો છે. સાંજે ભક્તો દર્શન કરવા આવતા હોય ત્યારે દર ચાર મીનીટે પુજારી દ્વારા લાઈવ આરતી કરવામા આવે છે.

છેલ્લા 28 વર્ષથી આ મંડળ દ્વારા જુદા થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.જે લોકો હરિદ્વાર કે મહાકાલ ના દર્શને જઈ શકતા નથી તેઓ દર્શન કરી શકે તે માટે કેટલાક ગણેશ આયોજકો આ પ્રકારના સેટ સાથે શ્રીજીની સ્થાપના કરી રહ્યાં છે તેના કારણે અન્ય ગણેશ આયોજકો કરતાં તેઓ જુદા તરી આવી રહ્યા છે.


