Get The App

સુરત નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં એકલતા અનૂભવતા કોરોના સંક્રમિત દર્દીઓને માટે લાઇબ્રેરી શરૂ કરાઈ

- નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે કરૂણા ટ્રસ્ટે જુદી જુદી ભાષાના 1500 પુસ્તકો ભેટ આપ્યાં

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
સુરત નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં એકલતા અનૂભવતા કોરોના સંક્રમિત દર્દીઓને માટે લાઇબ્રેરી શરૂ કરાઈ 1 - image


સુરત, તા. 25 જુલાઇ 2020,શનિવાર

પુસ્તક એ માનવીની ત્રીજી આંખ છે. પુસ્તક એ એક એવો શિક્ષક છે કે જે સોટી માર્યા વગર, કડવાં વચન કે ક્રોધ કર્યા વગર, દાન-દક્ષિણા લીધા વિના જ્ઞાન પીરસે છે. એકલતામાં પુસ્તકો સૌથી શ્રેષ્ઠ મિત્ર પુરવાર થાય છે, આ કથનને ધ્યાનમાં રાખીને સુરતની નવી સિવિલની ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના દર્દીઓ વિવિધ તકલીફો દૂર થાય તે માટે માટે વિવિધ ભાષાના 1500 પુસ્તકોની વ્યવસ્થા કરીને લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે.

સિવિલના માનસિક રોગ વિભાગના વડા ડો. ઋતમ્ભરા મહેતાની પ્રેરણાથી સુરતના કરૂણા ટ્રસ્ટ દ્વારા વાંચનરસિયા કોરોના સંક્રમિત દર્દીઓની જ્ઞાનપિપાસા સંતોષવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓ એકલતા અનૂભવતા હોય અને માનસિક રીતે ચિંતા કરતા હોય તેને ધ્યાન રાખીને કરૂણા ટ્રસ્ટે જુદી જુદી ભાષામાં 1500 જેટલાં સારા જ્ઞાનવર્ધક પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં છે.

કોવિડ વોર્ડના ડોક્ટર્સ અને સેવા ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી જેવી વિવિધ ભાષાના પુસ્તકોનું દર્દીઓની પસંદગી મુજબ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જ્ઞાનની પરબ સમાન લાઈબ્રેરી જેવો કોન્સેપ્ટ કોવિડ હોસ્પિટલમાં ઉભો કરવામાં આવ્યો છે. દર્દીઓની સવલતો અને સુખાકારી માટે હોસ્પિટલ તંત્ર હંમેશા તત્પર છે, દર્દીઓની એકલતા દૂર કરવામાં હોસ્પિટલની લાઈબ્રેરી ઉપયોગી બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

નવી સિવિલના માનસિક રોગ વિભાગના સહ પાધ્યાપક ડો. કમલેશભાઈ દવેએ કહ્યું કે, કોવિડના દર્દીઓની માતૃભાષાને અનુરૂપ પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે દર્દીઓ સમય કેમ પસાર થશે તેની ચિંતામાં હોય છે, ત્યારે પુસ્તકોના વાંચનથી દર્દીનું મનોબળ મક્કમ બને, તે પ્રવૃત્તિમય રહે અને ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શકે એ હેતુથી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે.

એક સારા પુસ્તકનો સંગ એક સત્સંગ જેવો છે, પુસ્તકોના વાંચનથી પોઝિટિવ વાતાવરણ ઉભુ થાય છે, વાંચન માનવીને માનસિક શાતા આપે છે, જે કોવિડ દર્દીઓને ઝડપી રિકવર થવામાં ઉપયોગી થશે એ અમારો મુખ્ય ઉદ્દેશ હોવાનું તેમણે કહ્યું હતું.

સુરત નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં એકલતા અનૂભવતા કોરોના સંક્રમિત દર્દીઓને માટે લાઇબ્રેરી શરૂ કરાઈ 2 - image

પુસ્તક પરબ માટે સહયોગી બનેલા સેવા ફાઉન્ડેશનન

પુસ્તક પરબ માટે સહયોગી બનેલા સેવા ફાઉન્ડેશનના રાજીવભાઇએ કહ્યું કે, અમે છેલ્લા ચાર મહિનાથી સેવાકાર્યમાં જોડાયેલા છીએ. પહેલા અન્નપૂર્ણાની સેવા અને હાલ ડોક્ટર નર્સને મદદરૂપ થવા સેવા ફાઉન્ડેશનના 15 સ્વયંસેવકો કાર્યરત છે. દર્દીઓમાં ખુશી જળવાઈ રહે અને કોવિડ વોર્ડમાં પોતાના બેડ પર જ વાંચન કરી શકે તે માટે જુદા જુદા વિષય અને જુદી જુદી ભાષામાં 1500 જેટલી બુકનું વિતરણ કર્યું છે.

કોરોના પોઝિટિવ દર્દીઓ માટે પોઝિટિવ વિચારો ઝડપી રિકવરી કરવામાં મદદગાર થાય છે

માનસિક રોગ વિભાગના ક્લિનિકલ સાઈકોલોજીસ્ટ ડો. ગુરપ્રિત કૌર જણાવે છે કે, દર્દીઓના પરિવારજનો અમને ઘણી વાર ફરિયાદ કરે છે કે તેમના સ્વજન દર્દી એકલતા અનુભવે છે, અને ‘પરિવારનું શું થશે.. મને સારૂ થઈ જશે ને?

એવી ભવિષ્યની ચિંતા કરીને તણાવમાં રહેતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પુસ્તકોની વ્યવસ્થા કરી તેમને હળવાશભર્યું વાતાવરણ મળે, મનમાં આશા-ઉત્સાહ જાગે અને હકારાત્મક વિચારો આવે તે હેતુથી લાઈબ્રેરીનો પ્રયાસ કર્યો છે. હકારાત્મક વિચારો રોગપ્રતિકારકશક્તિમાં વધારો કરે છે એ હકિકતથી પ્રેરાઈ સિવિલ દ્વારા સ્તુત્ય પ્રયાસ કરાયો છે.

સારા પુસ્તકોના વાંચનથી આત્મવિશ્વાસ અને મનોબળ મક્કમ થાય છે

માનસિક રોગ વિભાગનાડો. અમીબેન પાઠકે કોવિડ કાળના અનુભવો દર્દીઓના માનસ અંગે જણાવ્યું કે, ‘મારી મે મહિનાથી સિવિલ કોવિડ વોર્ડમાં પોસ્ટિંગ થઈ હતી. દર્દીઓ સાથેની વાતચીત દરમિયાન અનુભવ્યું કે ઘણીવાર દર્દીઓ માનસિક રીતે હતાશ હોય ત્યારે સ્વજનો સાથે પણ સરખી વાત નથી કરી શકતા.

કોવિડ વોર્ડમાં મોટા ભાગનો સમય એકલા રહેવાનું હોવાથી સમય પસાર કરવો મુશ્કેલ હોય છે. પુસ્તકોના વાંચનથી તેમનો સમય સુખરૂપ પસાર થાય છે.

દર્દીઓને મોટીવેશન અને બિમારી સામે લડવાની તાકાત પ્રાપ્ત થશે. સારા વાંચનથી દર્દીઓમાં આશા અને ઉત્સાહ સંચાર થાય છે. મહાપુરૂષોના જીવનચરિત્રો, શૌર્યકથા, મોટિવેશન, ધાર્મિક પુસ્તકો વાંચવાથી માનસિક તણાવ દૂર થાય છે, જે દર્દીઓને સ્વસ્થ થવામાં મોટી ભૂમિકા ભજવે છે.

Tags :