Get The App

સુરત: રાંદેર ઝોનમાં ગંદા પાણીની ફરિયાદ નિકાલ માટે સ્ટાફનો અભાવ

- અઠવાની જેમ રાંદેરમાં પણ પાણી માટે વ્યાપક ફરિયાદ

Updated: Nov 26th, 2021

GS TEAM

Google News
Google News
સુરત: રાંદેર ઝોનમાં ગંદા પાણીની ફરિયાદ નિકાલ માટે સ્ટાફનો અભાવ 1 - image


રાંદેર ઝોનના ત્રણેય વોર્ડમાં ઓછા દબાણ અને ગંદા પાણી મુદ્દે કોર્પોરેટરોએ પસ્તાળ પાડીઃ તાત્કાલિક ફરિયાદનો નિકાલ માટે તાકીદ

સુરત, તા. 26 નવેમ્બર 2021 ગુરૂવાર 

સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં પાણી સમિતિની બેઠકમાં તમામ કોર્પોરેટરોએ આખા ઝોનમાં ઓછા પ્રેશરથી પાણી અને ગંદા પાણીના મુદ્દે પસ્તાળ પાડી હતી.  આ બેઠકમાં કોર્પોરેટરોની આક્રમક રજુઆત બાદ પાણી વિભાગના સ્ટાફે હકીકત જાહેર કરી દીધી હતી કે ઝોનમાં વધુ ગંદા પાણીની ફરિયાદ હોય તો તેના નિકાલ માટે સ્ટાફની ભારે અછત છે. સ્ટાફ ન હોવાથી ગંદા પાણીની ફરિયાદનો નિકાલ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આ પ્રકારની હકીકત બહાર આવતાં પાણી સમિતિ અધ્યક્ષે જરૃરી સ્ટાફ માટે પદાધિકારીઓને રજુઆત કરવા સાથે તાત્કાલિક ફરિયાદનો નિકાલ કરીને રિપોર્ટ  કરવા માટે સ્ટાફને તાકીદ કરી હતી.

પાણી સમિતિના અધ્યક્ષ રાકેશ માલીએ દરેક ઝોનમા પાણીની સમસ્યાના નિકાલ માટે દરેક ઝોનમાં બેઠક શરૃ કરી છે તેમાં ગઈકાલે અઠવા ઝોનમાં નવા વિસ્તારમાં લાંબા સમય સુધી પાણી મળતું ન હોવાની ફરિયાદ સાથે અનેક ફરિયાદનો ઢગલો થઈ ગયો હતો. 

અઠવા ઝોનની જેમ આજે  રાંદેર ઝોનમાં પણ પાણી સમિતિ- અધિકારીઓ વચ્ચેની બેઠકમાં રાંદેર ઝોનના તમામ વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળતું હોવાની વ્યાપક ફરિયાદ હોવાથી કોર્પોરેટરોએ પસ્તાળ પાડી હતી. તમામ વિસ્તારમાં સૌથી મોટી ફરિયાદ ઓછા દબાણથી પાણી મળતું હોવાની છે તેનો તાકીદે નિકાલ કરવા માટેની માગણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત રાંદેર ઝોનમાં  ગંદા પાણીની ફરિયાદનો નિકાલ પણ ઝડપી થતો નથી આ  મુદ્દે સ્થાનિક કોર્પોરેટરો આક્રમક રજુઆત કરી હતી. આ ફરિયાદ બાદ નિકાલ કેમ નથી થતો તેનું કારણ જાણીને કોર્પોરેટરો અને પાણી સમિતિ પણ ચોકી ગઈ હતી.  

રાંદેર ઝોનના પાણી ખાતાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ગંદા પાણીની ફરિયાદની સંખ્યા ઘણી વધુ છે પરંતુ તેના નિકાલ કરવા માટે બેલદાર સહિતનો સ્ટાફની જરૃર છે તે ઝોનાં ઘણો જ ઓછો છે તેથી ફરિયાદનો નિકાલ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.  

પાણી વિભાના આ જવાબ બાદ પાણી સમિતિ અધ્યક્ષે ઝોનના અધિકાઓને તાકીદ કરી હતી કે,  જે સ્ટાફની ઘટ છે તેના માટે સ્થાયી અધ્યક્ષ અને મેયરને તાત્કાલિક રજુઆત કરવી અને કામગીરી પુરી કરવા માટે સ્ટાફની કામ ચલાઉ ભરતી માટે જે કામગીરી કરવી હોય તે કરો પરંતુ ગંભીર સમસ્યા છે તેનો નિકાલ લાવો. આ ઉપરાંત તેઓએ ઓછા પ્રેશરથી પાણીની ફરિયાદનો નિકાલ કરવા સાથે તેનો રિપોર્ટ પાણી સમિતિને પણ સોંપવામાં આવે તેવી તાકીદ કરી છે.

Tags :