- ડુંભાલ માધવબાગ ખાડી પર લોખંડનો બ્રિજ બનાવ્યો : ચોમાસામાં પાણી ભરાવવાનો પ્રશ્ન હલ થશે
- આરસીસી બ્રિજ બને તો એપ્રોચનો પ્રશ્ન હતો તેથી અનોખો બ્રિજ બનાવાયો : હળવા ફોર વ્હીલર વાહનોને જ પ્રવેશ મળશે
સુરત,તા.17 ઓક્ટોબર 2022,સોમવાર
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ડુભાલ માધવબાગ ખાડી પરના ગેરકાયદે બ્રિજ દુર કરીને તેની જગ્યાએ પાલિકા નવો બ્રિજ બનાવી રહી છે. સુરતના આ પહેલો એવો બ્રિજ હશે જેના પર માત્ર હળવા ફોર વ્હીલરને જ પ્રવેશ મળશે જ્યારે કોમર્શિયલ વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી શકશે નહીં. આરસીસીનો બ્રિજ બને તો એપ્રોચનો પ્રશ્ન આવતો હતો તેથી લોખંડનો બ્રિજ બનાવવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ (લીંબાયત) ઝોન વિસ્તારમાં ટી.પી.નં.૬૪ (મગોબડુંભાલ) એફ.પી.નં.૯૫(રંગઅવધુત સોસાયટીની દક્ષિણે) અને ટી.પી. ૧૯ (૫૨વત– મગોબ) ફા.પ્લોટ નં.૧ માધવભાગ સોસાયટીને ઉત્તરે ખાડી બ્રીજ પરવટ પાટીયા થી પરવટ ગામને જોડતા રસ્તા નજીક માધવબાગ સોસાયટી આવી છે. આ બ્રિજ પર જે તે સમયે બિલ્ડર દ્વારા પાલિકાની મંજુરી વિના બ્રિજ બનાવી દીધો હતો. ખાડી પરના આ બ્રિજની પહોળાઈ ઓછી હોવા ઉપરાંત ખાડીમાં પીલર ઉભા કરાયા હોવાથી ચોમાસા દરમિયાન પાણી અવરોધાતો હતું અને આ વિસ્તારમાં પાણીનો ભરાવો થતો હતો.
આ જગ્યાએ ખાડી એમ્બકમેન્ટ પ્રોજેકટ હેઠળ ખાડીનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમા આ સ્થળે ખાડીની પહોળાઈ અંદાજે ૨૦.૦૦ મીટર જેટલી થતી હતી પરંતુ આ ખાડી બ્રીજના કારણે પુરતી પહોળાઈ મળી શકતી ન હતી. જેથી આ બાબતે આસપાસની સોસાયટીનાં ૨હીવાસીઓ ઘ્વારા ચોમાસામાં પાણી ભરાવાની ફરિયાદો મળતી હતી. જેથી આ જુના બીજને દૂર કરી તેના સ્થાને નવો બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આરસીસી બ્રિજ બનાવવામાં આવે તો ખાડીની અંદર પિલર સાથે બાંધકામ કરવું પડે તેમ હતું જો તેમ થાય તો પાણી ભરાવવાની સમસ્યા ફરીથી થાય તેમ હતું. તેથી પાલિકાએ આ જગ્યાએ લોખંડનો બ્રિજ બનાવવા માટે આયોજન કરવામા છે.
આ ખાડી પર લોખંડનો બ્રિજ ગોઠવીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પાલિકા આ બ્રિજ બનાવવાની કામગીરી આગામી બે ત્રણ મહિનામાં પૂરી કરશે. આ બ્રિજ પર માત્ર લાઈટ ફોર વ્હીલર વાહનો પસાર થવા દેવામાં આવશે. આ બ્રિજ પરથી કોમર્શિયલ વાહનો પસાર થવા દેવામા આવશે નહીં. આવા પ્રકારનો પહેલો બ્રિજ સુરત પાલિકા બનાવી રહી છે જેના પર કોમર્શિયલ વાહનો પસાર થઈ શકશે નહી.


