સમાજના નામે રાજકીય પક્ષોને બાનમાં લઇ વિધાનસભાની ટિકિટ માટે થઈ રહી છે પ્રેશર ટેકનિક
- પોતાના સમાજનું મહત્વ અને વસ્તીના આંકડા રજૂ કરવામાં આવી રહ્યાં છે
- દરેક રાજકીય પક્ષો પાસે સમાજના અગ્રણીઓ મતોની ગણતરી આગળ મૂકીને ટિકિટ માટે દબાણ ઊભું કરી રહ્યાં હોવાથી રાજકીય પક્ષોની મૂંઝવણ વધી
સુરત, તા. 30 ઓક્ટોબર 2022 રવિવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા નિરીક્ષકોને મોકલીની ઉમેદવાર જાહેર કરવા પહેલાં સેન્સ લેવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જોકે, ટિકિટ મેળવવા માટે સમાજના અગ્રણીઓ પોતાના સમાજનું મહત્વ અને વસ્તીને આગળ કરીને ટિકિટ માટેની ડિમાન્ડ કરી રહ્યાં છે. સમાજના નામે રાજકીય પક્ષોને બાનમાં લઇ ટિકિટ માટે પ્રેશર ટેકનિક કરવામાં આવી રહી હોવાથી પક્ષના નેતાઓની મૂંઝવણ વધી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ ઉમેદવાર શોધવા માટે કવાયત શરૂ કરી છે. ભાજપના નિરીક્ષકો સામે સુરતની 12 માથી પાંચ વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોને ઉમેદવાર તરીકે રીપીટ ન કરવા માટે આક્રમક રજુઆત કરવામાં આવી છે. તો આ વખતે સુરતમાંથી બ્રહ્મ સમાજને ટિકિટ મળે તેવી પણ માગણી થઈ રહી છે.
આ ઉપરાંત પાટીદાર સમાજ, જૈન સમાજ, મોઢ વણિક સમાજ, રાણા સમાજ, ક્ષત્રિય સમાજ, મૂળ સુરતીઓ, ઉત્તર ગુજરાત, પરપ્રાંતિયો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ માંથી ટિકિટ મેળવવા માટે આક્રમક દાવેદારી થઈ રહી છે. દરેક આગેવાનોએ પોતાના સમાજ, પોતાના જિલ્લા, પોતાની વસ્તીના આંકડા રજુ કરવા સાથે સમાજ દ્વારા પક્ષ માટે આપવામા આવેલા યોગદાનને આગળ કરીને ટિકિટ માટે દાવેદારી કરવામાં આવી રહી છે.
સમાજના નામે ટિકિટ માટે દાવેદારી થયા બાદ આગેવાનો દ્વારા સમાજના અગ્રણીઓ કે ધાર્મિક સંસ્થાઓના વડાઓ દ્વારા પક્ષ ઉપર ટિકિટ આપવા માટે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. સુરતમાં 12 ટિકિટ છે અને સમાજ, અને જિલ્લાઓ માટે દાવેદારો અનેકગણા છે તેથી બાવા બાર અને લાડુ ચાર જેવો ઘાટ થયો છે.. કોઈ પણ સમાજને નારાજ કરવું રાજકીય પક્ષોને પોષાય તેમ ન હોવાથી રાજકીય પક્ષના નેતાઓ ટિકિટ ફાળવણી માટે ગડમથલમાં પડી રહ્યાં છે. હવે સમાજ, જિલ્લાના નામે ટિકિટ માટે નું પ્રેશર કેટલું કારગત નીવડે છે તે તો ટિકિટ ફાળવણી બાદ જ ખબર પડશે.