સુરત: દિલ્હીના 2 વેપારીએ સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીને રૂ. 13 લાખનો ચુનો લગાવ્યો
30 દિવસમાં પેમેન્ટ ચુકવવાનો વાયદો કર્યો હતો પરંતુ પેમેન્ટ ચુકવ્યું નહિ અને ઉઘરાણી કરતા અમારે કોઇ પેમેન્ટ આપવાનું નથી એમ કહી ફોન કટ કરી નાંખ્યો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 12 નવેમ્બર 2019 મંગળવાર
રીંગરોડની સુરત ટેક્સટાઇલ માર્કેટના વ્યાપારી પાસેથી દિલ્હીના બે ઠગબાજ વ્યાપારીએ 30 દિવસમાં પેમેન્ટ ચુકવવાના બહાને રૂા. 13.19 લાખની સાડી ખરીદી પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.
રીંગરોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મનભરી પ્રિન્ટર્સ અને મનભરી ફેશન નામે છેલ્લા 30 વર્ષથી કાપડનો હોલસેલ વ્યાપારી નરેન્દ્ર રામઅવતાર સાબુ (ઉ.વ. 50 રહે. વિજયનગર સોસાયટી, એસ.આઇ.ડી.એસ હોસ્પિટલ લાઇન, મજુરા ગેટ) ના પરિચીત દિલ્હીના બે વ્યાપારી કોમલ સોબતી અને અમિત અરોરાએ મે 2019માં પોતે દિલ્હીમાં મોટા પાયે કાપડનો ધંધો કરે છે અને સુરતના 100થી વધુ વ્યાપારીઓ પાસેથી માલ ખરીદે છે અને સમયસર પેમેન્ટ ચુકવી આપે છે તેવી વાત કરી હતી.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
જેથી નરેન્દ્રએ 30 દિવસમાં પેમેન્ટ ચુકવવાના વાયદે તા. 8 મે 2019 થી 18 જુન 2019 દરમ્યાન પોતાની મનભરી પ્રિન્ટર્સ નામની ફર્મમાંથી અલગ-અલગ બિલ બનાવી કોમલ અને અમિતની લક્ષ્મી ટેક્સટાઇલ નામની ફર્મમાં રૂા. 13.19 લાખનો સાડીનો જથ્થો મોકલાવ્યો હતો.
જો કે બંન્ને જણાએ વાયદા મુજબ 30 દિવસમાં પેમેન્ટ ચુકવ્યું ન્હોતું અને પેમેન્ટ માટે વાયદા પર વાયદા કર્યા હતા. ત્યાર બાદ કોમલ સોબતીએ વધુ 5 હજાર નંગ સાડીનો ઓર્ડર આપ્યો હતો અને તેના પેમેન્ટ માટે 10 લાખનો એયુ સ્મોલ બેંક ફાયનાન્સનો ચેક મોકલાવ્યો હતો પરંતુ આ ચેક રિટર્ન થયો હતો જેથી નરેન્દ્રએ કોમલ સોબતીને ફોન કરી પેમેન્ટ માટેની વાતચીત કરતા વેંત કોમલ ઉશકેરાય ગયો હતો અને આજ પછી પેમેન્ટ માટે ફોન કરવો નહિ એમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો.
જેથી આ અંગે છેવટે નરેન્દ્ર સાબુએ કોમલ સોબતી અને અમિત અરોરા (બંન્ને રહે. આર્ય સમાજ રોડ, કરોલ બાગ, ન્યુ દિલ્હી-07) વિરૂધ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.