સુરત: પાંડેસરામાં પ્રૌઢને બ્રેઈનડેડ થયા બાદ હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું
- સુરતથી ચેન્નાઈનું 1618 કિ.મીનું અંતર 170 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું
- વર્ષ 2021નું દેશનું પહેલું કેડેવર ઓર્ગન ડોનેશન
સુરત, તા. 3 જાન્યુઆરી 2021 રવિવાર
પાંડેસરામાં પ્રૌઢ મોટરસાયકલ પર જતી વખતે ગાય આડે આવતા અકસ્માત થયા બાદ પ્રૌઢને બ્રેઈનડેડ થતા પરિવારના સભ્યોએ હૃદય, ફેફસાં, કિડની, લિવરઅને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. સુરતથી ચેન્નાઈનું 1618 કિ.મીનું અંતર 170 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું.
મૂળ મહેસાણાના ઊંઝા તાલુકામાં આવેલા ઉપેરાગામ ના વતની અને હાલમાં ડીંડોલી ખરવાસા રોડ પર અંબિકા સોસાયટીમાં રહેતા 57 વર્ષીય વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલ પાંડેસરા પ્રમુખ પાર્ક સોસાયટીમાં ક્રિષ્ના ટેક્ષ્ટાઇલના નામથી વીવીંગ યુનિટ ચલાવતા હતા. ગત તા.30મીએ વિષ્ણુભાઈ પાંડેસરામાં આવેલ પોતાની વિવિંગ ફેક્ટરી પરથી રાત્રે પોતાની મોટરસાયકલ પર પ્રમુખ પાર્ક પાસેના બ્રીજ ઉતરીને પોતાના ઘરે ડીંડોલી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાય આવી ગઈ હતી.
તેઓએ બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ થઇ પડી જતા તેઓને માથાના ભાગે તથા ડાબા પગે ઈજા થવાથી સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે અઠવાગેટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યાં ન્યુરોસર્જન ડોક્ટરે સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરી હતી. જોકે તેમને સીટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.
શુક્રવાર રોજ ન્યૂરોસર્જન, ન્યૂરોફિજીશિયન, ફીજીશીયન તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા. તેથી પરિવારના સભ્યોએ એ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરી અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવવા હોસ્પિટલ આવવા જણાવ્યું હતું ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિષ્ણુભાઈના પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
પરિવારજનોએ જણાવ્યું કે તેમના અંગદાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી નહિ હોવાથી દ્વારા હૃદય ચેન્નાઈની ખાનગી હોસ્પીટલને અને ફેફસા ચેન્નાઈની ખાનગી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા જ્યારે કિડની અને લિવરનું દાન અમદાવાદની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીસી એન્ડ રિસર્ચ સેન્ટરના ડોક્ટરની ટીમે આવી સ્વીકાર્યું હતું અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડોક્ટરે સ્વીકાર્યું હતું.
સુરતની અઠવાગેટ ની ખાનગી હોસ્પિટલથી ચેન્નાઈનું 1618 કિ.મીનું અંતર 170 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ પ્રાઇવેટ હોસ્પીટલમાં ચેન્નાઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અન્ય ખાનગી હોસ્પીટલમાં ચેન્નાઈની રહેવાસી 62 વર્ષીય મહિલામાં ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ખેડાના રહેવાસી 45 વર્ષીય વ્યક્તિમાં ડૉ. ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નથી.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 375 કિડની, 153 લિવર, 8 પેન્ક્રીઆસ, 31 હૃદય, 12 ફેફસાં અને 278 ચક્ષુઓ કુલ 856 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 786 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.