ભારતમાં 'ચા'ની શરૃઆત ૧૭મી સદીમાં સુરતના વેપારી વિરજી વોરાએ કરી હતી
- વિધાનસભાની ચુંટણીના કારણે ફરી એક વાર ચા અને ચાહવાળો ચર્ચામાં
૧૬૪૮માં ડચ વેપારી પાસેથી ૨૦ મણ ચા અને ૯ મણ કોફી ખરીદી ગુજરાતના બજારમાં ચાની એન્ટ્રી કરવામાં સુરતના વેપારીનો સિંહફાળો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 23 નવેમ્બર 2018 શુક્રવાર
હાલ રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચુંટણીના કારણે ફરી એક વાર 'ચા' અને 'ચા વાળો' ચર્ચાનું કેન્દ્ર બની ગયાં છે.૨૦૧૪ લોકસભાની ચુંટણી પહેલાં ચા વાળા માટે કરેલી ટીપ્પણી હવે રાષ્ટ્રીય મુદ્દો બની ગઈ છે. જોકે, ચા માટેનો આ રાજકીય ગરમાટો જોઈ એવું લાગે કે 'ચા'ની શરૃઆત વડનગર રેલ્વે સ્ટેશનથી જ થઈ હોવી જોઈએ.
રાજકીય રીતે ચા કે ચા વાળાની એન્ટ્રી વડનગરથી થઈ હોય તેવું લાગે છે પણ ખરેખર ગુજરાત અને ભારતમાં 'ચા'ની શરૃઆત સુરતથી થઈ હશે તે ભાગ્યે જ કોઈને ખબર હશે. સુરત વીરજી વોરાએ ૧૬૪૮માં ડચ વેપારીઓ પાસેથી ૨૦ મણ ચાની ખરીદી કરીને સુરતીઓને પીવડાવ્યા બાદ તે સમયથી ચાની સાથે કોફીની શરૃઆત થઈ હતી.
ગુજરાતીમાં કહેવત છે કે જેની 'ચા' બગડી તેનો દિવસ બગડયો તેનો એક અર્થ એવો પણ થાય છે કે સુરત, ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના લોકોની સવાર 'ચા'થી જ થાય છે. મોટા ભાગના લોકોને સવારની આ ચાની આદત બની ગઈ છે તે ચાને સુરત ગુજરાત નહીં પરંતુ ભારતમાં પ્રવેશ ૧૭મી સદીમાં સુરતના એક વેપારીએ કરાવ્યો તે 'ચા'ના શોખીન ભાગ્યે જ કોઈ જાણતા હશે. 'ચા'ના વપરાશમાં ભારત ભલે બીજા દેશ કરતાં પાછળ છે પરંતુ 'ચા'પીવામાં ભારત વિશ્વના અન્ય દેશો કરતાં અગ્રેસર છે.
મોટા ભાગના લોકો એવું માને છે કે ભારતમાં ચાની એન્ટ્રી ઈસ્ટ ઈન્ડિયા કંપની ૧૮૩૨માં આસામ ટીપ કંપનીની સ્થાપના કરી ત્યાર બાદ જ મળી છે. જોકે, આ હકીકત સાથે ગુજરાતના ઘડવૈયા પુસ્તકમાં ખોટી સાબિત કરવામાં આવે છે. સુરતના ઈતિહાસ અને આ પુસ્તકમાં સુરતના વેપારી વીરજી વોરાનો ઉલ્લેખ સુરત જ નહીં ભારતમાં ૧૭મી સદીમાં ચાની એન્ટ્રીમાં કરાયો છે.
સુરતમાં ૧૫૮૫માં જન્મેલા સાહસિક વેપારી વીરજી વોરાનગર શેઠ બન્યા અને તેઓ આંતરરાષ્ટ્રીય જથ્થાબંધ વેપારી રહ્યાં હતા. તે સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચા અને કોફીનું વેચાણ ઘણું જ ઓછું હતું.
આ નવી ગણાતી વસ્તુમાં તેમને આર્થિક તક જોઈ ચીનથી ચા અને અરબસ્તાનથી કોફીનો ઓર્ડર કરીને મંગાવી હતી.તેઓએ તે સમયે અંગ્રેજ, ડર, ફ્રેન્ચ અને આરબ વેપારીઓને ટેસ્ટ કરાવ્યો હતા જેમાં અંગ્રેજોને ટેસ્ટ ભાવ્યો હતો. ત્યાર બાદ સુરતીઓને ચા અને કોફી પીવડાવ્યા હતા.
લોકોના પ્રતિભાવ જોઈને તેઓએ ૧૬૪૮માં ડચ વેપારી પાસેથી ૨૦ મણ ચા અને આરબ વેપારી પાસેથી ૯ મણ કોફી ખરીદીને આ માલ સુરત અને ગુજરાતના બજારમાં મુક્યો તેને પ્રસિસાદ મળ્યો હતો. ગુજરાતમાં સફળતા મળ્યા બાદ ભારતના અન્ય શહેરોમાં ચા અને કોફીનો વેપાર શરૃ કર્યો હતો. આમ 'ચા'ની એન્ટ્રી સુરત કે ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ નહીં પરંતુ સુરતના એક વેપારીએ કરાવી હતી તેનો ઉલ્લેખ સુરતના ઈતિહાસમાં કરવામાં આવ્યો છે.