Get The App

ડાંગમાં 32 હેક્ટરમાં લેપર્ડ (દિપડા) સફારી એન્ડ રેસક્યુ સેન્ટર બનશે

- આગામી નાણાંકીય વર્ષમાં કામ શરૂ થશે

Updated: Feb 14th, 2019

GS TEAM

Google News
Google News
ડાંગમાં 32 હેક્ટરમાં લેપર્ડ (દિપડા) સફારી એન્ડ રેસક્યુ સેન્ટર બનશે 1 - image


- વઘઈ બોટાનિકલ ગાર્ડનની સામે ડુંગરાળ વિસ્તારમાં ૩ર હેક્ટરનાં વિસ્તારને કુદરતી મહોલમાં ઢાળી દિપડા પાર્ક નિર્માણ થશે

વાંસદા, તા. 14 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર

ડાંગ પ્રાકૃતિક સંપદા માટે જાણીતું સ્થળ છે. અહીં ગીરાધોધ, ગીરમાળ ધોધ, બોટાનીકલ ગાર્ડન, મહાલ ઈકો કેમ્પ સાઈટ, નેશનલ પાર્ક જેવા વન્ય સૃષ્ટિથી ભરપૂર સ્થળો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, તેવામાં ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલા બોટાનિકલ ગાર્ડનની સામે વિશાળ લેપર્ડ (દિપડા) સફારી  એન્ડ સેન્ટર બનાવવાની મંજૂરી મળતા હવે ડાંગ પ્રવાસીઓને નવું નજરાણું મળશે.

દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વઘઈ નજીકનાં બોટાનિકલ ગાર્ડનની સામે જંગલ વિસ્તારમાં ૩ર હેક્ટર લેપર્ડ સફારી પાર્ક વીથ રેસક્યુ સેન્ટરની મંજૂરી મળતા ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળોમાં નવું પીછું ઉમેરાતા પ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. ૩ર હેક્ટરનાં વિશાળ જંગલ વિસ્તારને આવરી બનાવામાં આવનાર લેપર્ડ પાર્કમાં અદ્યતન ટેકનોલોજી અપનાવવા સાથે અન્યો જિલ્લાઓમાં છાશવારે પકડાતા દિપડાઓને  રેસક્યુ સેન્ટરમાં લાવી સારવાર કર્યા બાદ પાર્કમાં છોડી દેવાશે.

આ અંગે નાયબ  વન સંરક્ષક ડી.બી.ત્રિવેદીએ જણાવ્યું કે, ડાંગમાં પ્રાકૃતિક સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેથી વઘઈ નજીકનાં ગીરાધોધ પાર્ક કે ઈકો કેમ્પ સાઈટનો વિકાસ કરી સ્થાનિકોને ઘરઆંગણે રોજી ઉપલબ્ધ કરાવવાની સરકારની નેમ છે. સાથો સાથ કિલાદ કેમ્પ સાઈટ, બોટાનિકલ ગાર્ડન વધુ લોકભોગ્ય બનાવવામાં આવશે.

રાજ્યનું સાશણગીર જેમ સિંહો માટે જાણીતું છે. તેમ દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો દિપડા માટે ઉત્તર સ્થળ હોય તેને એક સ્થળે લાવી પ્રવાસીઓને નવલું નજરાણું મળી રહેશે. વઘઈ બોટાનિકલ ગાર્ડનની સામેની બાજુમાં ડુંગરાળ વિસ્તાર આવેલો હોય ૩ર હેક્ટર વિસ્તારને કુદરતી માહોલમાં જ ઢાળી દિપડા પાર્ક નિર્માણ કરાશે.

આ પાર્કનું નિર્માણ આગામી નાણાંકિય વર્ષ માર્ચ-એપ્રિલમાં શરૂ કરી ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. ડાંગનાં પ્રાકૃતિક સ્થળો બાદ લેપર્ડ પાર્કની સુવિધા લાવનારા દિવસોમાં પ્રવાસીઓથી ધમધમી ઉઠે તે સ્થાનિકોને ઘરઆંગણે રોજી રોટી સાથે પ્રકૃતિનાં દર્શન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમાં બેમત નથી.

Tags :