- આવકમાં 14 લાખનો વધારો થશે
- કોરોના પહેલા ચાર હજાર કરતાં વધુ સભ્યો હતા કોરોના બાદ સભ્ય સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ
સુરત, તા.23 માર્ચ 2022,બુધવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલમાં હવે ફીની સાથે સાથે 18 ટકા જીએસટી લગાવવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આવતીકાલે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મંજુર થઈ જાય તો પાલિકાના સ્વિમિંગ પુલમાં ત્રણ માસની 1200 રૂપિયાની ફી સાથે 216 રૂપિયાનો જીએસટી ચુકવવો પડશે. પાલિકાની સ્થાયી સમિતિ દરખાસ્ત મંજુર કરે તો હાલના સભ્યોની સંખ્યા જોતાં પાલિકાને વાર્ષિક 14 લાખની વધારે આવક થવાનો અંદાજ છે.
સુરત મ્યુનિ.ની આવકના સ્ત્રોત ધટવા સાથે ખર્ચ વધતા પાલિકાએ આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે પ્રયાસ કર્યા છે. પાલિકાના હરવા ફરવાના સ્થળ તથા સ્વિમિંગ પુલમાં જીએસટી વસુલ કરવાનું હોય છે. ભુતકાળમાં પાલિકાએ એક્વેરિયમ અને નેચર પાર્કમાં જીએસટી માટેની દરખાસ્ત રજુ કરી હતી પરંતુ તે મંજૂર કરી ન હતી. આ બંને જગ્યાએ જીએસટીની રકમ નજીવી હતી તેથી પાલિકાએ દરખાસ્ત મંજુર કરી ન હતી. પરંતુ હવે કોરોના બાદ સ્વિમિંગ પુલ શરૂ થઈ રહ્યાં છે તેમાં ત્રણ માસની એક સભ્ય ફી પર 216 રૂપિયા જેટલો જીએસટી લાગે છે તેને સભ્ય પાસે વસુલ કરવા માટે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે..
સુરતમાં હવે કોરોનાના કેસ ઝીરો થઈ રહ્યાં છે ત્યારે પાલિકાના સ્વિમિંગ પુલ પણ આગામી દિવસોમાં ફુલ હાજરીથી શરૂ થાય તેવી શક્યતા છે. પાલિકાના સ્વિમિંગ પુલ શરૂ થાય તે પહેલા પાલિકા તંત્રએ ફીનું માળખું નવું બનાવવા માટે કવાયત શરૂ કરી છે. પાલિકાના સ્વિમિંગ પુલમાં ફીની સાથે હવે જીએસટી વસુલાત પણ કરવામાં આવશે. પાલિકાની સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. હાલમાં બે હજાર જેટલા સભ્યો છે ભૂતકાળમાં ચાર હજાર જેટલા સભ્યો હતા. હાલના સભ્યોની ગણતરી કરવામાં આવે અને સ્વિમિંગ ફી સાથે 18 ટકા જીએસટી વસુલવામાં આવે તો પાલિકાને વાર્ષિક 14 લાખની આવક થઈ શકે તેમ છે. જોકે, પાલિકા સ્વિમિંગ પુલ માટે જે ફી વસુલ કરે છે તેના કરતાં સ્વિમિંગ પુલના મેઈન્ટેન્સ અને પગાર માટે વધુ ખર્ચ થાય છે તેમ છતાં પાલિકા લોકોના આરોગ્ય નો ખ્યાલ રાખીને સ્વિમિંગ પુલ ચલાવી રહી છે જેને જોતાં આ દરખાસ્ત મંજુર થાય તેવી શક્યતા વધુ છે.


