ચુંટણી પંચની નિષ્પક્ષતા સામે ગોપાલ ઈટાલિયાનું ટ્વીટ
- કતારગામમાં તંત્ર દ્વારા ધીમું મતદાન કરાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ
સુરત,તા.1 ડિસેમ્બર 2022,ગુરૂવાર
ગુજરાતી ની સૌથી ચર્ચિત વિધાનસભા બેઠકો પૈકી કતારગામ વિધાનસભા બેઠક પરથી ચુંટણી જંગમાં ઉતરેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા આજે સવારે નિરશ મતદાન અંગે સોશ્યલ મીડિયામાં ટિપ્પણી કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, કતારગામ વિધાનસભા બેઠક પર વહીવટી તંત્ર દ્વારા જાણી જોઈને ધીમું મતદાન કરાવવામાં આવી રહ્યું છે. આ ટિપ્પણીને પગલે ચુંટણી પંચની નિષ્પક્ષતા પર આક્ષેપ કરવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
ભાજપ - કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રિ-પાંખિયા જંગ વચ્ચે આજે સવારે કતારગામ વિધાનસભા બેઠક પર શરૂઆતના બે કલાકમાં નિરશ વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો હતો. જેને પગલે એક તબક્કે આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા દ્વારા ચુંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ઉભો કરતાં તંત્ર દ્વારા જાણી જોઈને આ બેઠક પર ધીમું મતદાન કરાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે, બપોરે 11 કલાક સુધી કતારગામ વિધાનસભા બેઠક પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાનની ટકાવારી 18 ટકાથી વધુ નોંધાવા પામી હતી.