Get The App

મને છોડી દે..મૂકી દે..જવા દે.. એમ ગ્રીષ્મા બૂમ પાડતી રહી પણ ફેનીલે ચપ્પુ ફેરવી દીધુ

Updated: Feb 18th, 2022

GS TEAM

Google News
Google News
મને છોડી દે..મૂકી દે..જવા દે.. એમ ગ્રીષ્મા  બૂમ પાડતી રહી પણ ફેનીલે ચપ્પુ ફેરવી દીધુ 1 - image

- પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું

- ફેનીલે 25 થી 30 મીનીટ સુધી ખુની ખેલ ખેલ્યો : ગ્રીષ્મા તરફડી રહી હતી ત્યારે તેણે માવો ખાધા બાદ ઝેર પીવાનો ઢોંગ કર્યો

બારડોલી : સુરત નજીક કામરેજના પાસોદરા પાટીયા પાસે એક તરફી પ્રેમમાં ફેનીલે ચપ્પુ વડે ગ્રીષ્માનુ ગળું કાપી હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતાં ફેનીલે સોસાયટીમાં આવી આંટાફેરા કરી ૨૫ થી ૩૦ મિનિટ સુધી ખૂની ખેલ ખેલ્યો હતો. ફેનીલે ગ્રીષ્માને પાછળથી પકડી ગળા પર ચપ્પુ મૂકી દેતાં ગ્રીષ્મા મને છોડી દે, મૂકી દે ની બૂમો પાડતી રહી અને ફેનિલ મોટે મોટેથી મને મારવા કોને મોકલેલા તેમ કહીને ચપ્પુથી ગળું કાપી નાંખ્યું હતું. 

પાસોદરા પાટીયા લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વેકરીયાની જાહેરમાં હત્યા કરનાર કાપોદ્રાના ફેનીલ પંકજભાઈ ગોયાણી (ઉ.વ.૨૦) ની પોલીસે ધરપકડ બાદ ગુરૂવારે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. એસઆઈટી ટીમ ગુરૂવારે સવારે પોલીસ મથકેથી ફેનીલને સરકારી જીપમાં બેસાડી પ્રથમ કાપોદ્રા ખાતે સાયબરની ઓફિસ ઉપર થઈને અમરોલી કોલેજ પહોંચ્યા હતા. અમરોલી કોલેજ ખાતે ફેનીલે ગ્રીષ્માની બહેનપણીને ગ્રીષ્માને લઈને આવો મારે મળવું છે. તેમ કહ્યા બાદ ગ્રીષ્માની માસી રેણુકા સાથે માથાકૂટ કરી હતી. પોલીસે કોલેજ ખાતેથી અગાઉના ફૂટેજ પણ કબજે કર્યા હતાં. અમરોલી કોલેજ થી લક્ષ્મીધામ સોસાયટી પર આવ્યા હતા. બનાવના દિવસે શનિવારે ફેનીલ બેગમાં બે ચપ્પુ લઇને લક્ષ્મીધામ સોસાયટી પહોંચ્યો ત્યાં સુધીના અગાઉના સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કરેલા હતા. 

ફેનીલ લક્ષ્મીધામ સોસાયટી ખાતે આવી ચાર-પાંચ આંટા માર્યા હતા. તે સમયે ગ્રીષ્માના મોટા બાપા સુભાષ વેકરીયા અને ભાઈ ધ્વ ઘરમાંથી ફેનીલને સમજાવવા માટે જતાં ફેનીલે સીધો સુભાષભાઈના પેટના ભાગે ચપ્પુનો ઘા કરી દીધો હતો. ધ્વ ચપ્પુ પકડવા જતાં હાથમાં ઈજા થઈ હતી અને ફેનીલે ધ્વના માથામાં ચપ્પુ મારી દીધો હતો. તે સમયે ગ્રીષ્મા દોડી આવતા ફેનીલે પાછળથી પકડી ગળા પર ચપ્પુ મૂકી દેતાં ગ્રીષ્મા મને છોડી દે, મને મૂકી દે, જવા દે તેમ કહી રાડો પાડતી રહી અને ફેનીલ મને મારવા કોને મોકલેલા એમ પૂછીને ગળા ઉપર ઉપરાછાપરી ત્રણ વાર ચપ્પુથી ઘા કરી ગળું કાપી નાંખ્યું હતું. ગ્રીષ્મા તરફડી રહી અને ફેનીલ નફ્ફટ થઈ માવા ખાઈ પોતે ઝેરી દવા પીધી હોવાનો ઢોંગ કર્યો હતો. ફેનીલે લોકોની નજર સામે ૨૫ થી ૩૦ મીનીટ ખુની ખેલ ખેલ્યો હતો. ત્યારબાદ ફેનીલે હાથની નસ કાપવાનું પણ નાટક કરી મિત્રને ફોન કર્યો હતો. પોલીસે તમામ વિગતોના સીસીટીવી ફૂટેજની સાથે સામ્યતા ચકાસી પુરાવા એકત્રિત કર્યા હતા. પોલીસે વોઈસ સ્પેકટ્રોગ્રાફી માટેની કાર્યવાહી હાથ ધરી છે.