Get The App

છોકરીઓના બોગસ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી બનાવી ડીલીટ કરવા બિભસ્ત ફોટોની માંગણી

- બોટાદના 20 વર્ષીય પી.ટી.સીના વિદ્યાર્થીનું કારસ્તાન

Updated: Apr 1st, 2019

GS TEAM

Google News
Google News


- ચાર મહિનામાં ૨૦૦થી વધુ છોકરીઓને તેમના જ ફેક આઇ.ડી બનાવી બિભત્સ ફોટોવાળા મેસેજ કરી બ્લેકમેઇલ કરી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 1 એપ્રિલ 2019, સોમવાર

ઈન્સ્ટાગ્રામ ઉપર જુદી જુદી છોકરીઓના નામે એકાઉન્ટ બનાવી તેમાં અલગ અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી છોકરીઓના ફોટા લઈ અપલોડ કરી તે જ છોકરીને રિક્વેસ્ટ મોકલી ફેક એકાઉન્ટ ડિલીટ કરવા બિભત્સ ફોટાની માંગણી કરતા બોટાદના પીટીસીનો અભ્યાસ કરતાં ૨૦ વર્ષીય યુવાનને સુરત સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો હતો. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે વિતેલા ચાર માસમાં આ યુવાને ૨૦૦ થી વધુ છોકરીઓને બિભત્સ ફોટોગ્રાફ વાળા મેસેજ કર્યા હતા.

સાયબર ક્રાઇમ પોલીસ મથકનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં રહેતી એક યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ બનાવી તેમાં કોઈકે તેનો ફોટો અપલોડ કર્યો હતો અને બાદમાં તેના ફોટાને એડિટ કરી તેની નીચે બિભત્સ ફોટો રાખી તેને મોકલ્યો હતો. તે વ્યક્તિએ આ ફોટોગ્રાફ બીજી ફેક આઇડી બનાવી તેમાં અપલોડ કરવાની તથા બદનામ કરવાની પણ ધમકી આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઇ જે.બી આહીર અને ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનામાં પી.ટી.સી.નો અભ્યાસ કરતા જગદીશ પ્રકાશભાઈ મકવાણા (ઉ.વ.૨૦. રહે. ખાંભડા ગામ, જી. બોટાદ) ને ઝડપી લીધો હતો.

જગદીશે  છેલ્લા ચાર મહિનામાં ઇન્સ્ટાગ્રામ ઉપર જુદા જુદા આઠ નામોથી એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટમાં તેણે ઇન્સ્ટાગ્રામ ઉપરથી જુદી જુદી છોકરીઓના ફોટો લઈ અપલોડ કર્યા હતા અને બાદમાં તે જ છોકરીના ઓરીજનલ એકાઉન્ટ ઉપર જ મેસેજ કરતો હતો અને બીજા ફોટાની માંગણી કરતો હતો. જો છોકરી ફોટો આપવાની ના પાડે અને એકાઉન્ટ ડિલીટ કરવા કહે તો જગદીશ ફોટો કોલેજ સોફ્ટવેરથી ફોટા એડિટ કરી ઉપર છોકરીનો ફોટો રાખી નીચે બિભત્સ ફોટો મૂકી તેને વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપતો હતો. તેમજ બીજા બિભત્સ ફોટા મોકલી આપવા માંગણી કરતો હતો.

જગદીશના ફોનમાં  ૨૦૦ છોકરીને કરેલા મેસેજ મળ્યાઃ બરવાળા પોલીસ મથકમાં આવો જ ગુનો નોંધેયલો છે

સાઇબર ક્રાઇમ પોલીસે તેની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનને ચેક કરતા એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તેણે ૨૦૦ થી વધુ છોકરીઓને બિભત્સ ફોટોગ્રાફ વાળા મેસેજ કર્યા હોવાનું બહાર આવ્યું હતું. સુરતમાં યુવતીએ જે ફરિયાદ નોંધાવી હતી તેવી જ અરજી અન્ય છ યુવતીઓએ કરી છે તેમજ જગદીશ વિરુદ્ધ બરવાળા પોલીસ મથકમાં પણ આ પ્રકારની એક ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઇ જે.બી આહીર કરી રહ્યા છે.

Tags :