સમાજસેવા એ જ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરતું સુરતનું એક ગ્રુપ :મરાઠી આરતીમાં આવતી રકમનો બાળકોના શિક્ષણ પાછળ ઉપયોગ
- ગણેશ ઉત્સવના દસ દિવસ મરાઠી આરતીથી ભેગા થયેલા ફાળો સમાજના બાળકોના શૈક્ષણિક કામ માટે થતો ઉપયોગ
- સુરતના પાલનપુર વિસ્તારના 30 જેટલા છોકરા છોકરીનું ગ્રુપ ગણેશ ઉત્સવ દરમિયાન મરાઠી આરતી અને લેઝિમના કાર્યક્રમ કરી ફંડ ફાળો ભેગો કરે છે
સુરત,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
સુરતમાં ઉજવાતા ઘરે ઉત્સવમાં સમાજસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સુરતનું એક મંડળ સાર્થક કરી રહ્યું છે. સુરતના ગણેશ ઉત્સવ દરમિયાન મરાઠી આરતી અને લેઝિમના કાર્યક્રમ કરીને આ ગ્રુપ દ્વારા ભેગો કરવામાં આવેલા ફાળાનો ઉપયોગ સમાજના ગરીબ બાળકોના અભ્યાસ માટે થઈ રહ્યો છે.
સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન અનેક મંડળો દ્વારા ગણેશજીની ભક્તિ સાથે સેવાકીય કાર્યો કરે છે. ગણેશ આયોજકો દ્વારા રક્તદાન શિબિર અને આરોગ્યને લગતી અનેક શિબીરો કરવામાં આવે છે. આવી સેવા કે પ્રવૃત્તિ સાથે ગણેશજીની ભક્તિ સુરતમાં થઈ રહી છે. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારનો વિઘ્નહર્તા આરતી મંડળ નામનું મહારાષ્ટ્ર ગ્રુપ છેલ્લા 15 વર્ષથી ગણેશ ઉત્સવ દરમિયાન મરાઠી આરતી અને લેઝીમના કાર્યક્રમ ગણેશ મંડળોમાં કરે છે.
આ મંડળના પ્રમુખ સુરેશ કોરપે કહે છે, ગણપતિ બાપાની આરાધનામાં મરાઠી આરતી ઘણું મહત્વ ધરાવે છે. મરાઠી આરતીના દરેક શબ્દો બાપાની ભાવપૂર્વક આરાધના કરે છે. શરૂઆતમાં અમારા સમાજના કેટલાક લોકોને મંડળોમાં મરાઠી આરતી માટે બોલાવવામાં આવતા હતા. ત્યારબાદ અમે 15 વર્ષ પહેલાં વિઘ્નહર્તા આરતી મંડળની સ્થાપના કરી. અમારા સમાજના છોકરા છોકરીઓનું 30 થી 40 નું ગ્રુપ આવતી અને લેઝિમની પ્રેક્ટિસ કરીએ છીએ. ત્યારબાદ ગણેશ ઉત્સવના દસ દિવસ વિવિધ મંડળોમાં મરાઠી આરતી સાથે લેઝિમનો કાર્યક્રમ કરીએ છીએ.
ગ્રુપના અન્ય સભ્યો યોગેશભાઈ કહે છે, આવા કાર્યક્રમ થકી અમને લોકો ફાળો આપે છે આ ફાળાનો ઉપયોગ અમારા સમાજના ગરીબ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે કરવામાં આવે છે. લોકો ઘરમાં ગણેશજીની સ્થાપના કરતા હોય કે મંડળમાં મરાઠી આરતીની ડિમાન્ડ વધી છે તેથી અમારા દસે દસ દિવસના કાર્યક્રમો પહેલાથી બુક થઈ જાય છે. એક દિવસમાં ત્રણથી ચાર કાર્યક્રમ કરીએ છીએ અને તેના કારણે અમારા સમાજના ગરીબ વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થઈ રહી છે.